સુરત, 23 ડિસેમ્બર : માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે નેશનલ હાઈવે નં.48 પર કામરેજ તાલુકાના ઉંભેળ ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 33.46 કરોડના ખર્ચે સાકાર થનારા છ લેનના ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે સુવિધાજનક વિકાસકામો, પ્રજાહિતને સ્પર્શતા પ્રોજેક્ટોને ઝડપભેર પૂર્ણ કરવામાં વિશેષ ધ્યાન આપ્યું છે. રાજ્યના એક છેડેથી બીજા છેડે માત્ર 6થી 8 કલાકમાં પહોંચી શકાય એવી રોડ કનેક્ટિવિટી પૂરી પાડવી એ અમારી સરકારનું લક્ષ્ય છે. વર્ષોથી જેની લોકમાંગણી હતી એવો ઉંભેળ ખાતે નિર્માણ પામનાર ઓવરબ્રિજ એનું ઉત્તમ ઉદાહરણ છે. નવા વર્ષ 2022ના પ્રારંભે હેલિકોપ્ટરમાં અમદાવાદ દર્શન માટેનો પ્રોજેક્ટ શરૂ કરાશે, જેમાં પ્રવાસીઓનો યોગ્ય પ્રતિસાદ મળ્યા બાદ સુરતમાં પણ હેલિકોપ્ટરથી સુરત દર્શન પ્રોજેક્ટ શરૂ કરાશે. ઉપરાંત, સુરત સહિત દક્ષિણ ગુજરાતના લાખો સૌરાષ્ટ્રવાસીઓ વતન સૌરાષ્ટ્ર જતાં હોય છે, ત્યારે નેશનલ હાઈવે નં.48 પર ટ્રાફિકનું ભારણ ઘટે અને નવો હાઈવે નિર્માણ થાય એ માટે સુરતથી ભરૂચના હાંસોટ-જંબુસર-ખંભાતને જોડતા નવા હાઇવેનું નિર્માણ કરવાનું આયોજન છે, જેના કારણે સૌરાષ્ટ્ર જવા માટે ૧૦૦ કિમીનું અંતર ઘટી જશે, સમય, ઈંધણ અને માનવકલાકોની બચત થશે.
મંત્રીએ સુરતના ચલથાણ-નવી પારડી પાસે પણ ઓવરબ્રિજ બનાવવા તેમજ સાપુતારાથી નર્મદાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ફોર લેન હાઈવેના નિર્માણ માટે માર્ગ અને મકાન વિભાગ આગળ વધી રહ્યાં હોવાનું જણાવી ટૂંક સમયમાં રસ્તાઓના આ કામો હાથ ધરાશે એમ જણાવ્યું હતું. આગામી દિવસોમાં રાજ્ય વાહનવ્યવહાર વિભાગ વોલ્વો બસો સહિત નવી 1700એસ.ટી. બસો ખરીદશે.અમારી સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદિત જમીન માટે ખેડૂતોને બજારકિંમત કરતાં પણ વધુ વળતર આપી રહી છે એમ ગર્વથી જણાવતાં મંત્રીએ ઉમેર્યું કે, ઉંભેળ બ્રિજના કારણે વાહનવ્યવહારમાં સરળતા વધશે, સમય અને ઈંધણના બચાવ સાથે ટ્રાફિકની વિકટ સમસ્યાનો અંત આવશે. ઝડપભેર બ્રિજ સાકારિત થતા ગ્રામજનો, વાહનચાલકોને ટ્રાફિક ભારણથી મુક્તિ મળશે.
ધારાસભ્યવી.ડી.ઝાલાવાડીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં કહ્યું કે, રાજ્યના માર્ગ અને મકાન વિભાગે ઓવર બ્રિજનાં નિર્માણથી લાખો વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે. મંત્રી પૂર્ણેશભાઈના સતત સહયોગના કારણે તેમના કાર્યકાળ દરમિયાન1.83 કરોડના 13 રસ્તાઓના કામો માર્ગ અને મકાન વિભાગના નેજા હેઠળ પૂર્ણ થયાં છે, જ્યારે સુડા દ્વારા પણ105 કરોડના રોડના કાર્યો પૂર્ણ થયા છે. સ્થાનિક ગ્રામજનો તેમજ વાહનચાલકોની ઉંભેળ ખાતે ઓવરબ્રિજ બનાવવાની લાગણી અને માંગણીને સંતોષવા બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અજિત આહીર, સરપંચદર્શન પટેલ, NHAI ના પ્રોજેક્ટ ડાયરેક્ટર સૂરજકુમાર સિંઘ સહિત માર્ગ અને મકાન વિભાગ,નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત