સુરત, 24 ડિસેમ્બર : માર્ગ અને મકાન વિભાગ, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે સુરત જિલ્લાના 5 તાલુકામાં 9.56 કરોડના ખર્ચે કુલ 10 વિકાસકામોનું ખાતમુહુર્ત યોજાયું હતું. મંત્રીએ સચિન ખાતે 1 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ કર્યું હતું. કૃષિ, ઊર્જા પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, સરકારના સતત પ્રયાસોથી આજે છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુખ-સુવિધાઓ પહોંચી છે. તેમજ ભવિષ્યમાં પણ હવાઈ માર્ગ, દરિયાઈ માર્ગ અને જમીન માર્ગ એમ ત્રણેય ક્ષેત્રને જોડતી તમામ પ્રકારની કનેક્ટિવિટી છેવાડાના માનવી સુધી પહોંચે તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રગતિશીલ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ સાથે આગામી સમયમાં રાજ્યના 295 ગામડાંઓમાં 500 કરોડના ખર્ચે કૉઝવેનું નિર્માણ કરવામાં આવશે. 18 જિલ્લાઓમાં 500 કરોડના ખર્ચે 417 જેટલા વિકાસકામો પરિપૂર્ણ કરાશે. તદ્દઉપરાંત, 108 એમ્બ્યુલન્સની સુવિધાથી વંચિત રાજ્યના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં પણ હવે આ સુવિધા સુલભ બનાવવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટની જેમ 6 સ્થળ પર હેલિપોર્ટ બનાવવામાં આવશે, જેમાંનું એક હેલિપોર્ટ સાપુતારામાં નિર્માણ પામશે એમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં એક છેડેથી બીજા છેડે ટૂંકા ગાળામાં પહોંચી શકાય એવી રોડ કનેક્ટિવિટી પૂરી પાડી સમય, ઇંધણ અને નાણાનો બચાવ એ સરકારનું લક્ષ્ય છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા અનેક રસ્તાઓને તૈયાર કરી માસ ટ્રાનસપોર્ટેશનને સરળ બનાવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં રસ્તાઓના વિકાસથી પ્રવાસનક્ષેત્રને અઢળક ફાયદો થશે, જેના કારણે રોજગારીની અનેકવિધ તકો નવયુવાનોને પ્રાપ્ત થશે. દેશના પ્રત્યેક નાગરિકને શિક્ષણ, આરોગ્ય, વેપાર તેમજ ઉદ્યોગને જોડતી માસ કનેક્ટિવિટી પ્રદાન કરી ૭૫માં આઝાદીના અમૃત મોહત્સવ નિમિતે આત્મનિર્ભરતા તરફ આગેકુચ કરવાનો વડાપ્રધાન નરેનદ્ર મોદીના સંકલ્પને યથાર્થ કરવાની નેમ મંત્રીએ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કૃષિમંત્રી મુકેશ પટેલે ડભારી અને ભાગીવાડીને જોડતા2.70 કિમીના રસ્તાની સ્થાનિક લોકોની વર્ષોજૂની માંગ પુર્ણ થઇ છે તેમ જણાવતા કહ્યું હતું કે, હવે ડભારી દરિયાકિનારે યાત્રીઓની સંખ્યામાં વધારો થશે જેથી અનેક લોકો માટે રોજગારીની તકો સર્જાશે. તેમજ યાતાયાતની સમસ્યાનું પણ નિરાકરણ થશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શ્રેણીબદ્ધ વિકાસકામો થઈ રહ્યાં હોવાનું જણાવતાં મંત્રીએ લોકોની લાગણીઓ અને માંગણીઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વર પરમાર, ઝંખના પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈ, અધિક ઈજનેર એ.જી.વસાવા, ડભારીના સરપંચ રજનીકાંતભાઈ, વિવિધ ગામના સરપંચ-ઉપસરપંચો , અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત