સુરત, 24 ડિસેમ્બર : મહિલાઓના આર્થિક ઉત્થાન માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા સુરતના હનીપાર્ક ગ્રાઉન્ડ, અડાજણ ખાતે આયોજિત ‘ શક્તિ મેળા’ ને કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, કૃષિ, ઊર્જા પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સામાજિક ન્યાય અને અધિકારિતા અને મહિલા-બાળ વિકાસ મંત્રી મનિષા વકીલના વરદ્દહસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
24 ડિસે.-2021થી 2 જાન્યુ.2022 સુધી સવારે 10 કલાકથી રાત્રિના 10 કલાક સુધી આયોજિત દસ દિવસીય શક્તિમેળામાં 200 સ્ટોલ પર મહિલાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ કલાત્મક ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં માટીથી બનાવેલા વાસણો, તોરણ, પગરખા, કચ્છીવર્ક, બાંધણી અને જરદોશી વર્કની સાડીઓ, શાલ, કુર્તીઓ, સેનેટરી પેડ, મહિલાઓના શણગારની ચીજવસ્તુઓના વેચાણ કરાઈ રહ્યું છે. મહિલાઓને આત્મનિર્ભર બનવાની દિશામાં ‘શક્તિમેળા’ થકી એક કદમ આગળ વધતા રાજ્ય સરકારે લઘુ ઉદ્યોગકાર મહિલાઓને મંચ પૂરો પાડ્યો છે. અહીં મહિલાઓના સામાજિક ઉત્થાન માટે મહિલા સ્વાવલંબન યોજના અને મહિલા જાગૃતિ શિબિર તેમજ જનરલ તાલીમની માહિતી આપતા બેનર્સ મૂકવામાં આવ્યા છે. શહેરીજનોને દસ દિવસ દરમિયાન હસ્તકલા અને કલાત્મક ચીજવસ્તુઓ ખરીદવાની તક છે.આ પ્રસંગે મંત્રીઓએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી, કચ્છના માંડવી તાલુકામાં રહેતા વાલબેન મનજીભાઈ સંજોત પરંપરાગત કચ્છી અને બાંધણી વર્કની શાલ બનાવે છે. મંત્રીએ તેમની મુલાકાત લઇ તેમના વ્યવસાય અંગે માહિતી મેળવી હતી, તેમજ મેળામાં ભાગ લેનાર તમામ મહિલા સ્ટોલધારકોને અપેક્ષિત લાભ થાય તેવી તેમણે શુભેચ્છાઓ આપી હતી.આ કાર્યક્રમમાં મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય સંગીતા પાટિલ તેમજ કોર્પોરેટરો,અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત