સુરત, 23 ડિસેમ્બર : સમગ્ર રાજ્યમાં વિવાદાસ્પદ બનેલા પેપર લીક કૌભાડમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા જવાબદાર છે અને તેણે રાજીનામુ આપવું જોઈએ તેવી માંગ સાથે ગુરુવારે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જોકે, આપ ના અગ્રણીઓ આવેદન આપે તે પૂર્વે જ પોલીસે તેઓની અટકાયત અટકાયત કરતા પોલીસ અને આપ ના કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું.જેમાં પોલીસે આપના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.બન્ને પક્ષો વચ્ચે મારામારી પણ થઇ હોવાની જાણકારી મળી છે.આ ઘર્ષણ દરમિયાન ઉમરાના પીઆઈને પણ પગમાં ભારે ઈજા પહોંચી હતી.આ ઘર્ષણ દરમિયાન ઉમરા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ કોઈ પણ કારણોસર અચાનક ગુસ્સે ભરાયા હતા અને તેનો સંપૂર્ણ ગુસ્સો વિના કારણે મીડિયાકર્મીઓ પર ઉતાર્યો હતો.પોતાની ફરજ બજાવી રહેલા મીડિયાકર્મીઓ સાથેના મહિલા પીએસઆઇ ગેરવર્તણુંકને લઈને મીડિયાકર્મીઓમાં પણ ભારે રોષ હતો.જિલ્લા કલેકટર કચેરીના મુખ્ય ગેટ પર ઉભેલી પોલીસ આપ ના કાર્યકર્તાઓને અંદર જતા રોકી શકી ન હતી અને તેનો ગુસ્સો મીડિયાકર્મીઓ પર ઉતાર્યો હતો.આ સમગ્ર ઘર્ષણમાં ડિટેઇન કરવામાં આવેલા આપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ પૈકી 25થી વધુ લોકો પોલીસની કામગીરીના વિરોધમાં પોલીસ હેડક્વાર્ટર્સ પર આમરણાંત અનશન પર ઉતરી ગયા છે.
આ આવેદનપત્ર આપ્યા બાદ ગાંધી પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શન ના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ગાંધી પ્રતિમા ખાતે પણ પોલીસ વાન સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ત્યાંથી પણ આપ ના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ચોક બજાર ગાંધી પ્રતિમા પાસેથી 47 તથા કલેક્ટર કચેરી ખાતેથી 19 કાર્યકર્તાઓને મળીને કુલ 66 કાર્યકર્તાઓને ડિટેઇન કરી ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પોલીસ હેડકવાર્ટર, કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યાં છે.જેમાં 26 મહિલાઓ છે અને 40 પુરુષો છે.આવેદન આપતા પૂર્વે જ આપ ના અગ્રણીઓની અટકાયત કરવામાં આવતા તેઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે અમે આતંકવાદી નથી.અમને આવેદન આપવા માટે અંદર જવા દો પરંતુ પોલીસ દ્વારા તેમને અંદર જતા રોકવામાં આવ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત