સુરત, 24 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ આજે સુરતના હજીરા અને સચિન GIDC સ્થિત ઉદ્યોગગૃહોની મુલાકાત તેમજ જિલ્લા કલેક્ટર આયુષ ઓક, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની સહિત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ધારાસભ્યપુંજા વંશની આગેવાની હેઠળની સમિતિના સભ્યો ધારાસભ્ય જીતુ સુખડીયા, આત્મારામ પરમાર, ડો.અનિલ જોશીયારા, ભગાબારડ, વિવેક પટેલ, બળદેવ ઠાકોર, વિરજી ઠુમ્મર તેમજ સમિતિના સચિવ મેરામણ કંદરીયાએ ઔદ્યોગિક એકમોની સ્થળ તપાસ અને પ્રદૂષણ અટકાવવાં અંગેની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
સમિતિના અધ્યક્ષ પુંજા વંશે જણાવ્યું હતું કે, ઉદ્યોગો અને આધુનિક સુવિધાઓ અતિ આવશ્યક, પરંતુ તે માનવજીવન અને પર્યાવરણ માટે અનુફૂળ હોય તે પણ ખુબ જરૂરી છે. જાહેર હિસાબ સમિતિનું કાર્યક્ષેત્ર પણ અતિ મહત્વનું હોવાથી પ્રજાજનો, ઉદ્યોગકારો સહિત લોકહિતને સ્પર્શતી બાબતમાં આ સમિતિમાં સામેલ જનપ્રતિનિધિઓ સંકલિત બની કાર્ય કરે છે. અને રાજ્ય સરકારના પરામર્શમાં રહી સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ ભૂમિકા પણ અદા કરે છે. ઉદ્યોગકારોની તમામ ફરિયાદો અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોરી તેનું તાકીદે નિવારણ લાવવાની તેમણે બાંહેધરી આપી હતી. હજીરા એરિયા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ક્રિભકો ટાઉનશીપ ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમિતિએ ક્રિભકો ખાતે હજીરા એરિયા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન એલ.એન્ડ ટી. લિ., AM/NS પ્લાન્ટ યુનિટ ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિ.-AM/NS ના અધિકારીઓ તેમજ સચિન GIDC ખાતે સચિન નોટિફાઈડ એરિયા, સચિન ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો સાથે પણ બેઠક યોજીને સ્થાનિક વિસ્તારના યુવાનોને રોજગારી, કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબીલિટી-CSR, ઉદ્યોગકારોના પ્રશ્નો, વાયુ-પ્રદૂષણને રોકવા માટેના ઉદ્યોગકારોના પ્રયાસો, ટર્શરી અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તાલીમ અને રોજગારી સર્જન, રોડ-રસ્તા, પાણી, ગટર વ્યવસ્થા તેમજ વિવિધ ઈન્ડસ્ટ્રીયલ પ્લાન્ટની માનવજીવન પર થતી અસર વગેરે બાબતે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. સમિતિએ આ વિસ્તારોમાં કાર્યરત વિવિધ ઔદ્યોગિક એકમોની જાણકારી મેળવી સાથે તેમના પ્રશ્નો, ખૂટતી સુવિધાઓ અંગેની રજૂઆતો સાંભળી હતી.
આ વેળાએ જાહેર હિસાબ સમિતિએ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ-રસ્તા પહોળા કરવા અને ઉદ્યોગોના વેસ્ટ વોટર મેનેજમેન્ટ તેમજ ઉદ્યોગકારો દ્વારા સરકારની યોજનાઓના મેળવેલા લાભની વિગતો પણ મેળવી હતી. સમિતિના સભ્યોએ એલ.એન્ડ ટી.પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીગણ, જિલ્લા વહીવટીતંત્ર અને મનપાના સબંધિત અમલીકરણ અધિકારીગણ, ઔદ્યોગિક એકમોના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત