26મીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુરત ખાતે રાજ્ય કક્ષાનો ‘ નદી મહોત્સવ ‘ યોજાશે : રાજ્યવ્યાપી શુભારંભ

સ્થાનિક
Spread the love

સુરત, 24 ડિસેમ્બર : દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવ અને આસ્થા સાથે સન્માન થાય એ હેતુથી રાજ્ય સરકારે 26થી 30 ડિસેમ્બર દરમિયાન “નદી મહોત્સવ”ની રાજ્યવ્યાપી ઉજવણીનું આયોજન કર્યું છે. જે સંદર્ભે 26મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત ખાતે રાજ્ય કક્ષાનો ‘નદી મહોત્સવ’ યોજાશે. મુખ્યમંત્રી સુરતના સિંગણપોર કોઝવેથી સૂર્યપુત્રી તાપીનું પૂજનઅર્ચન કરી રાજ્યવ્યાપી ‘નદી મહોત્સવ’નો શુભારંભ કરાવશે. સુરત ખાતે 26થી ૩૦ ડિસેમ્બર દરમિયાન તાપી નદીકિનારે સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક એમ ચાર થીમ પર લોકભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે.
નોંધનીય છે કે, રાજ્યમાં સુરતમાં તાપી નદી, અમદાવાદમાં સાબરમતી નદી, ભરૂચમાં નર્મદા નદી અને ગરૂડેશ્વર ખાતે નર્મદા નદી પર એમ કુલ ચાર જગ્યાઓ પર ‘નદી મહોત્સવ કાર્યક્રમ’ની ઉજવણી કરવામાં આવશે. જેમાં 26 ડિસે.ના રોજ નદીની સાફ-સફાઈ કરાશે અને નદીઓ પ્રદુષિત ન થાય એ માટે લોકસમુદાયની ઉપસ્થિતિમાં સંકલ્પ ગ્રહણ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ 27મી ડિસે. ના રોજ ડાયલોગ, ડિબેટ અને મેરેથોન દોડ યોજાશે. 28મી ના રોજ યોગ, મેડિટેશન, સ્થાનિક ક્રાંતિકારીઓની શૌર્યકથાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. 29મી એ વનીકરણ, નેચરવોક, વનસ્પતિ તથા પ્રાણી સૃષ્ટિનું નિદર્શનના વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. 30મી ડિસે.ના રોજ આરતી, દીપોત્સવ, પ્રભાત ફેરી, રીવર મશાલ થકી કાર્યક્રમને સંપન્ન કરવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *