સુરત, 25 ડિસેમ્બર : શહેરના દાનવીર દાતાઓ દ્વારા પોતાના જન્મદિન, સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ અને જરૂરિયાતમંદોને ભેટ-સોગાદો આપીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.અટલબિહારી વાજપેયીજીની 97મી જન્મજયંતિ નિમિત્તે રાજસ્થાન વસ્ત્ર સંસ્થાએ આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે 1,000જેટલા બ્લેન્કેટનું વિતરણ કરીને સેવા સાથે સાર્થક ઉજવણી કરી હતી.
ધારાસભ્ય સંગીતા પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલની ઉપસ્થિતિમાં સંસ્થાએ ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓ તેમના સગા-સંબધીઓને બ્લેન્કેટ અર્પણ કરાયા હતા. સંસ્થાના નિર્મલ જૈને જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા છેવાડાના આદિવાસી વિસ્તારના ગરીબ દર્દીઓ તથા તેમના સગા સબંધીઓને શિયાળાની ઋતુ દરમિયાન ઠંડીથી રક્ષણ મળી રહે તેવા આશયથી અમારી સંસ્થા દ્વારા બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા છે. તેઓ આ બ્લેન્કેટ પોતાના ઘરે પણ લઈ જઈ શકશે. આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, દિનેશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત