સુરત, 26 ડિસેમ્બર : રાજયના દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવનના ધ્યેય સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમા ભાગ લે તે માટે સરકારના આરોગ્ય વિભાગ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ખુશનુમા ઠંડીની વચ્ચે 7500થી વધુ સુરતીલાલાઓ ઉત્સાહભેર આ સાયકલ રેલીમાં જોડાયા હતા.શારીરિક અને માનસિક સજ્જતા સાથે સંભવિત રોગચાળાને નાથવા માટે પ્રત્યેક જન સજ્જતા કેળવે તે આવશ્યક છે તેમ મુખ્યમંત્રીએ સુરતના આંગણેથી સાયકલોથોનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતુ. શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે મોજીલા સુરતીઓની ઉત્સાહપ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ફીટ ઈન્ડિયા મુવમેન્ટના વડાપ્રધાનના નારાને ઝીલી લઈને રાજયના પ્રજાજનોના સ્વાસ્થ્ય પ્રત્યે આવેલી જાગૃતિને તેઓએ બિરદાવી હતી.
કોરોનાની સંભવિત આપત્તિ સામે પ્રિકોસન ડોઝની તૈયારી સાથે વરિષ્ઠ નાગરિકો/કોમોર્બિલીટી ધરાવતા પ્રજાજનોને પણ કોરોનાનો પ્રિકોસન ડોઝ આપવા માટે રાજય સરકારે તૈયારીઓ આરંભી દીધી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. શહેરના હાર્દ સમા વેસુ વિસ્તારમાં તૈયાર કરાયેલી 2.5 કિ.મી. લાંબા નવનિર્મિત જોગીગ ટ્રેકની પણ મુખ્યમંત્રીએ જાત મુલાકાત લીધી હતી.આ ટ્રેક વાહન પાર્કિંગ સહિત રમતગમત માટે શહેરીજનોને ઉપયોગી પુરવાર થશે.સાયકલ ચાલનથકી બિનચેપી રોગથી મુકિતની થીમ પર સાયકલોથોનની થીમ પર શહેરના ભગવાન મહાવીર કોલેજ ખાતે 10 અને 30 કિ.મી.ના રૂટ પર યોજાયેલી સાયકલોથોનમાં વિવિધ સાયકલ ગ્રુપો, પોલીસ જવાનો, મહાનગર પાલિકાના કર્મયોગીઓ, હજારો સાયકલ સવારોએ ઉત્સાહભેર જોડાયા હતા.
આ પ્રસંગે ગૃહરાજયમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ફીટ ઈન્ડિયા ફિટ ગુજરાતના નારા સાથે સમગ્ર રાજયભરના વિવિધ સ્થળોએ યોજાયેલી સાકલોથોનમાં લાખો લોકોએ સાયકલ રેલીમાં ભાગ લીધો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 60 કિ.મી.નો સાયકલ ટ્રેક તૈયાર થઈ રહ્યો છે. આગામી સમયમાં પણ ગુજરાતીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે આવી ઈવેન્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સુરત ખાતે યોજાયેલી સાયકલોથોન માટે 7,500થી વધુ શહેરીજનોએ નામાંકન નોંધાવી ભાગ લીધો હતો. આ સાથે રાજયભરમાં 75 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ અંદાજીત 75 હજાર લોકો સાયકલોથોનમાં જોડાયા હતા.આ વેળાએ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો, સાયકલિસ્ટોએ ફિટનેસ જાળવણીના શપથ લીધા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને કાપડ રાજયમંત્રી દર્શના જરદોશ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલ, મેયર હેમાલી બોધાવાલા, સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્યો , જિલ્લા કલેકટર આયુષ ઓક, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર અજય તોમર, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, તેમજ મોટી સંખ્યામાં સાયકલિસ્ટો ઉપસ્થિત રહ્યા હતા.
જોકે, આ સાયક્લોથોનના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ-ઉર્જા મંત્રી માસ્ક વિના નજરે પડ્યા હતા.સાયકલ ચાલન થકી બિનચેપી રોગથી મુક્તિની થીમ પર આ સાયક્લોથોનનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે, સુરતમાં કોરોના વધતા કેસો વચ્ચે યોજાયેલ સાયક્લોથોનને લઈ લોકોમાં ભારે ચર્ચા થઇ રહી છે.આ સાયક્લોથોન સ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા કોરોનાનીગાઈડ લાઈન્સના ધજાગરા ઊડ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત