સુરત, 26 ડિસેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજરોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામે, ભાટિયા ટોલ પ્લાઝા પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ (@ Ch. 254)ની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સતિષ અગ્નિહોત્રીએ મુખ્યમંત્રીને ૨૨ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતાં.મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ જોડાયા હતાં.
નોધનીય છે કે, સુરતના વક્તાણા ગામ (@Ch.254) ખાતે સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં 30થી 60 મીટર લંબાઈના 294 સ્પાનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેમાં 5292 સેગમેન્ટના કાસ્ટિંગનો સમાવેશ થાય છે. આ સ્પાન દ્વારા નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. બનાવવામાં આવી રહેલા મુંબઈ-અમદાવાદ HSR કોરિડોરમાં 9 કિમી લંબાઈના વાયાડક્ટ બનશે.NHSRCL નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.એ સેગમેન્ટલ મેથડ સાથે ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ (40 મીટર લંબાઈ) અપનાવી છે. સેગમેન્ટલ ગર્ડર્સની સરખામણીમાં ફુલ સ્પાન ગર્ડર્સ (40 મીટર લંબાઈ) વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે તેને ઉભા કરવાનું કામ સાત ગણું ઝડપી હોય છે.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓક, NHSRCLના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર પ્રમોદ શર્મા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
.
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.- સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની એક ઝલક
ભાટિયા ટોલ પ્લાઝા, ગામ-વક્તાણા, સુરત પાસે ૨૨ એકર વિસ્તારમાં પથરાયેલા આ યાર્ડમાં સેગમેન્ટનું સતત કાસ્ટિંગ થઈ શકે તે માટે ત્યાં તમામ જરૂરી સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમ કે કોંક્રીટ બેચિંગ પ્લાન્ટ (૯૦ ઘન મીટર./કલાક), ૧૫૦ MT ની ૨ ગેન્ટ્રી, માલસામાનનો સંગ્રહ, સામગ્રીના પરીક્ષણ માટે લેબોરેટરી, સાઇટ ઓફિસ, ૫૦૦ કર્મચારીઓને સમાવવા માટે લેબર કેમ્પ, અને એમ્બ્યુલન્સ સહિતની તબીબી સુવિધા ઊભી કરવામાં આવી છે.
ફુલ સ્પાન બોક્સ ગર્ડર્સ અને સેગમેન્ટલ ગર્ડર્સના કાસ્ટિંગ માટે 25 વ્યૂહાત્મક સ્થળોએ ગોઠવણી સાથે કાસ્ટિંગ યાર્ડ વિકસાવવામાં આવ્યા છે. 25 કાસ્ટિંગ યાર્ડમાંથી, 17 ફુલ સ્પાન કાસ્ટિંગ યાર્ડ છે અને 8 સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ છે. દરેક કાસ્ટિંગ યાર્ડ જરૂરિયાત મુજબ 16થી 93 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને તે હાઇ-સ્પીડ રેલ સંરેખણની બાજુમાં સ્થિત છે. 25 કાસ્ટિંગ યાર્ડનો કુલ મળીને વિસ્તાર આશરે 1,000 એકર છે. હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં 40 મીટરના ફુલ સ્પાન ગર્ડરને એક જ સાથે કાસ્ટ કરવામાં આવે છે જ્યારે સેગમેન્ટલ ગર્ડરને 1.5-2.5 મીટરની લંબાઈના નાના ટુકડાઓમાં (18-22 નંગ) નાખવામાં આવે છે. આ નાના ટુકડાઓ 30-60m લંબાઈના સ્પાન્સ બનાવવા માટે પ્રી-સ્ટ્રેસિંગ કેબલનો ઉપયોગ કરીને સાઇટ પર એકસાથે ટાંકવામાં આવે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત