સુરત, 27 ડિસેમ્બર : સમગ્ર દેશ દુનિયામાં વધી રહેલા કોરોનાના ખતરાની વચ્ચે ભારતમાં પણ સ્થિતિ ચિંતાજનક બની રહી છે.રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યાની સાથે સાથે ઓમીક્રોનના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધ કહી શકાય તેમ 204 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જયારે નવા વેરિયન્ટ ઓમીક્રોન એ પણ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ નવા 24 ઓમીક્રોનના દર્દીઓ નોંધાયા છે.જેમાંથી 13 તો અમદાવાદમાં નોંધાયા છે.જયારે અન્ય 11 ઓમીક્રોનના દર્દીઓ રાજ્યના અન્ય જિલ્લામાં નોંધાયા છે. જેમાં સુરત શહેરના 1 દર્દીનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 22 કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાતા કુલ આંકડો 1,12087 પર પહોંચ્યો છે.જયારે જિલ્લામાં 1 દર્દી નોંધાતા કુલ આંકડો 32,241 પર પહોંચ્યો છે.જયારે, સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓનો કુલ આંકડો હવે 1,44,328 પર પહોંચ્યો છે. સદ્ભાગ્યે છેલ્લા 24 કલાકમાં એક પણ મોત નોંધાયું ન હોઈને મૃતકોનો કુલ આંકડો 2118 યથાવત રહેવા પામ્યો છે. જેમાં સુરત શહેરના કુલ 1630 અને જિલ્લાના કુલ 488 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 8 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંક 1,42,062 પર પહોંચ્યો છે. જેમાં , સુરત જિલ્લાના ડિસ્ચાર્જ આપવામાં આવેલા કુલ 31,738 દર્દીઓનો સમાવેશ થાય છે. હાલ 148 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
સુરત શહેરમાં જે 1 ઓમીક્રોનનો દર્દી નોંધાયો છે.તે 32 વર્ષીય પુરુષ શહેરના રાંદેર ઝોનમાં આવેલા વરિયાવ છાપરાભાઠા વિસ્તારના છે.ડાયમંડના વ્યવસાયી આ યુવાન તેમના વ્યવસાયના કામ અંગે બોત્સ્વાનાથી સુરત આવ્યા હતા.ગત 19મી ડિસેમ્બરના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમનું સેમ્પલ જિનોમ સિકવન્સીંગ માટે મોકલવામાં આવ્યું હતું. જેમાં આજે રિપોર્ટ પોઝિટિવ આવતા સુરત શહેરમાં ઓમીક્રોન વેરિયન્ટ ધરાવતા દર્દીઓની કુલ સંખ્યા હવે 3 થઇ છે. જોકે, અન્ય 2 દર્દીઓ હવે સ્વસ્થ છે.જયારે આજે પોઝિટિવ આવેલા દર્દી પણ સામાન્ય લક્ષણ ધરાવે છે અને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત