સુરત :28 ડિસેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત શ્રી ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થયા હતા. ધરમપુર તીર્થ ક્ષેત્રમાં સ્થાપિત 34 ફુટ ઊંચી શ્રીમદ્દ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના દર્શન અને પુષ્પમાળા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ અહીં નવનિર્મિત જિનપ્રાસાદ અને ગુરૂમંદિરને ખૂલ્લું મૂક્યું હતું. જ્યાં તેઓએ પૂ. ગુરૂદેવ રાકેશજીની ઉપસ્થિતિમાં પદ્મનાભ ભગવાન, સીમંધર સ્વામી, શંખેશ્વર પાર્શ્વનાથ અને આદિનાથ ભગવાનની દિવ્ય મૂર્તિઓને શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી નમન અને પુષ્પાર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ શ્રીમદ્દ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત કરી થ્રીડી મોડેલનું અનાવરણ કર્યું હતું. સાથોસાથ તેમણે હોસ્પિટલના થ્રીડી મોડેલમાં શ્રીમદ્દ રાજચંદ્રજીની મિનિએચર પ્રતિમાનું સ્થાપન પણ કર્યું હતું.
આ પ્રસંગે વિશાળ શમિયાણામાં ઉપસ્થિત ધર્મપ્રેમી અનુયાયીઓને પ્રેરક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જીવમાત્ર પ્રત્યે કરૂણા એ ભગવાન મહાવીરનો માનવજાતને આપેલો સંદેશ છે. ‘સર્વધર્મ સમ.. સર્વધર્મ મમ..’ની ભાવનાને શ્રીમદ્દ રાજચંદ્ર મિશને આત્મસાત કરી છે.120 વર્ષ પહેલા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્દ રાજચંદ્રજીના પગલાથી ધરમપુરની ભૂમિ પાવન થઈ છે. તેમણે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ લાખો અનુયાયીઓના જીવન પરિવર્તિત કરવામાં પથદર્શક બની છે એમ ગર્વથી કહ્યું હતું.
ધરમપૂર તીર્થક્ષેત્રમાં મંદિરની દિવ્યતા અને ભગવાનની ભવ્યતાનો સાક્ષાત અનુભૂતિ થઇ રહી હોવાનો અહોભાવ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે 'અહિંસા પરમો ધર્મ'ને અનુસરી ગૌવંશ વધ પર પ્રતિબંધનો કાયદો ઘડી તેનો કડક અમલ કરાવ્યો છે. હરતા-ફરતા પશુ દવાખાના, 161 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના પ્રકલ્પથી માત્ર માનવી માટે જ નહીં, મૂંગા અને લાચાર પશુપક્ષીઓની સેવાશુશ્રુષાને પણ પ્રાથમિકતા આપી છે. જાત- પાત, ધર્મ અને વાડાબંધીને સ્થાને 'સૌના સાથ અને સૌના વિકાસ'ની ભાવનાને સરકારે સેવામંત્ર બનાવ્યો છે. 'જીવસેવા અને માનવસેવા' સમાજમાં સૌના જીવનનો ભાગ બને તેવું પ્રેરક આહવાન તેમણે કર્યું હતું.વનબાંધવોની ભૂમિ ધરમપૂરમાં આવેલું આ તીર્થ ધાર્મિક ચેતનાનું કેન્દ્ર બન્યું છે એવી લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ સંસ્થાની સેવાપ્રવૃત્તિઓને બિરદાવી હતીપૂ.ગુરૂદેવના અથાગ પ્રયાસોથી શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી ક્ષેત્રમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે. જીવમાત્ર પ્રત્યે કરૂણા એ ભગવાન મહાવીરનો માનવજાતને સંદેશ છે, જેને અનુસરી શ્રીમદ્દ રાજચંદ્ર મિશને ‘સ્વમંગલથી સર્વમંગલ’ તેમજ ‘સ્વથી સમષ્ટિના કલ્યાણ’નું ધ્યેય સેવ્યું છે એમ જણાવી મુખ્યમંત્રીએ પૂ.રાકેશજીને વંદન કરી ગુજરાત સમૃદ્ધ, સુખી, સંપન્નતા સાથે સામાજિક સમરસતાનું કેન્દ્ર બને તેવા આશીર્વાદ મેળવ્યા હતા.
સત્ય અને અહિંસા, જીવદયા અને સદાચારના મૂલ્યો જનજનમાં પ્રસરે અને શાંત, ઉન્નત અને સુખમય રાષ્ટ્રનું નિર્માણ થાય એવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરતા કહ્યું કે, પૂ.ગુરૂદેવ રાકેશજીએ શ્રીમદ રાજચંદ્રજીના વિચારોને કેન્દ્રમાં રાખી નવી પેઢીને વિજ્ઞાન અને જ્ઞાનની સાથે ધર્મ તરફ વાળીને ઈશ્વરીય કાર્ય કર્યું છે. રાજસત્તા અને ધર્મસત્તાનો સમન્વય કરી પરમાર્થ આધારિત શાસન વ્યવસ્થા બને એમા જ સૌનું કલ્યાણ રહેલું છે
આ પ્રસંગે મુખ્યમંત્રી અને મહાનુભાવોએ વીરપ્રભુની ઐતિહાસિક ગાથાનું મંચન નિહાળ્યું હતું.આ પ્રસંગે પૂ.ગુરૂદેવ રાકેશજી, નાણા મંત્રી કનુ દેસાઈ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મંત્રી જીતુ ચૌધરી, સાંસદ કે.સી. પટેલ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, રેન્જ આઈ.જી.રાજકુમાર પાંડિયન, જિલ્લા પોલીસ વડાડો.રાજદીપસિંહ, વાપી નગરપાલિકા માજી પ્રમુખ વિઠ્ઠલ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના પ્રમુખ અભય જસાણી અને વલસાડ જિલ્લાના ધારાસભ્ય તથા અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત