સુરત, 29 ડિસેમ્બર : દેશની સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ‘નદી ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સામાજિક વનીકરણ વિભાગની વિસ્તરણ રેન્જ ચોર્યાસી અને સુરત સિંચાઈ વર્તુળ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉગત બોટનિકલ ગાર્ડન ખાતે બિનઅનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજ ગજેરાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમની ઉપસ્થિતિમાં નેચર વોક સાથે કુરૂક્ષેત્ર ઓવારા, જહાંગીરપુરા ખાતે ગુજરાતની વનસંપદા-વન્યપ્રાણી સૃષ્ટિ અંગે પ્રદર્શન યોજાયું હતું, અને વિડીઓફિલ્મ નિદર્શન થકી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા.
સામાજિક વનીકરણ વિભાગ,સુરત દ્વારા સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ખરવાસા ગામે, કામરેજના ખાતે ઘલા ગામના તાપી કિનારે, બારડોલી ખાતે મીંઢોળા નદી કિનારે, મહુવા ખાતે વેલણપુર, હળદવા અને ઉમરા ગામે અંબિકા નદી કિનારે તેમજ તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના ડોસવાડા ડેમ કાંઠે એમ કુલ 1,000 રોપાઓનું વાવેતર કરી નદી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર જે.સી.ચૌધરી, પરિક્ષેત્ર વન અધિકારી જે.જી.ગામીત, SMCના ડેપ્યુટી ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ પરેશ રાંદેરિયા, કવાસના વનરક્ષક કે.ડી.અસારી અને સુરત મનપા અને સિંચાઈ વિભાગના અધિકારીઓ, શહેરીજનો તેમજ ગુરૂકુલ વિદ્યાલય રાંદેરના વિદ્યાર્થીઓ નેચરવોકમાં જોડાયા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત