સુરત, 29 ડિસેમ્બર : કેન્દ્ર સરકાર દ્વારા કાપડ પર પહેલા 5 ટકા જીએસટી લેવામાં આવતો હતો.જેના પર હવે 1 જાન્યુઆરી-2022થી 12 ટકા જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ત્યારે, આ વધારો પાછો ખેંચવામાં આવે અને કાપડ પરનો 5 ટકા જીએસટી દર યથાવત રાખવામાં આવે તેવી માંગ સાથે આવતીકાલે ગુરુવારે સુરત શહેર તમામ ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.જે અંગે ફોસ્ટા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.સુરત કાપડ બજારના અગ્રણીઓએ આ બંધના સંદર્ભમાં જણાવ્યું હતું કે આ મુદ્દે સુરતના તમામ વેપારીઓ ટેક્સ્ટાઇલ મંત્રી દર્શના જરદોશ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દિલ્હી ખાતે રજૂઆત કરી આવ્યા છે. પરંતુ હજુ સુધી કોઇ ઉકેલ ન આવતા આખરે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.બીજી તરફ આ બંધના સંદર્ભમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે જણાવ્યું કે, કાપડ ઉદ્યોગના આંદોલન પાછળ રાજકીય પક્ષોનો હાથ હોય તેવું લાગે છે.જોકે, ફોસ્ટાના અગ્રણીઓએ જણાવ્યું છે કે આમાં કોઈ રાજકીય પક્ષોનો હાથ હોવાના પ્રશ્ન પણ ઉભો થતો નથી.
બીજી તરફ આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા અણસારો મળી રહ્યા છે. બુધવારે આ પ્રશ્ને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવા આશય સાથે ટેક્સ્ટાઇલ યુવા બ્રિગેડ દ્વારા બુધવારે રાધારમણ માર્કેટમાં એક હવનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં, મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થયા હતા.આવતી કાલે બંધના દિવસે શહેરની જાપાન માર્કેટની બહાર વેપારીઓ દ્વારા કાળા ઝંડાઓ ફરકાવી તેનો વિરોધ પ્રગટ કરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.ફોસ્ટાના બંધના એલાનને વિવિધ વેપારી સંગઠન દ્વારા સમર્થન મળી રહ્યું છે ત્યારે, આવતીકાલનું બંધ સફળ રહેશે તેમ લાગી રહ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત