સુરત, 30 ડિસેમ્બર : કેન્દ્ર સરકાર દ્વારા કાપડ ઉદ્યોગ પરના જીએસટી દરમાં વધારો કરીને 5 ટકાથી 12 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયના કારણે ઉત્પાદન મોંઘુ થશે. જેના કારણે પ્રોડક્ટ મોંઘી થશે અને સરવાળે આ મોંઘી પ્રોડક્ટની ખરીદી કરવામાં સામાન્ય વર્ગને ભારે તકલીફ ઉભી થશે.જેથી, સૌથી માઠી અસર આ કાપડ ઉદ્યોગ પર પડશે.આથી, સરકારે કાપડ પરના જીએસટી દરમાં કરેલો વધારો પાછો ખેંચી 5 ટકા યથાવત રાખવો જોઈએ તેવી માંગ સાથે ગુરુવારે સુરત શહેરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ એશોસિએશન દ્વારા એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધને ગુરુવારે પ્રબળ પ્રતિસાદ મળ્યો હતો અને વિવિધ કાપડ માર્કેટ જડબેસલાક બંધ રહી હતી.ટેકસટાઇલ ફેડરેશન ઓફ સુરત ટ્રેડર્સ (ફોસ્ટા) દ્વારા શહેરની તમામ 170 કાપડ માર્કેટની 70 હજારથી વધુ દુકાનો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું અને જેને પ્રચંડ સમર્થન મળ્યું હતું. વેપારીઓએ સવારથી જ તેમની દુકાનો બંધ રાખી હતી.જયારે, ડાઇંગ પ્રોસેસિંગ મિલો, લૂમ્સનાં કારખાના પણ બંધ રહ્યા હતા.
ગુરુવારે આ બંધ દરમિયાન વિવિધ સ્થળો પર વિરોધાત્મક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. શહેરની વિવિધ કાપડ માર્કેટો પર કાળા વાવટા બતાવીને અને કાળી પટ્ટી પહેરીને વેપારીઓએ તેમનો વિરોધ નોંધાવ્યો હતો, તો કેટલાક વિસ્તારોમાં થાળી વગાડીને વિરોધનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જીએસટી કાઉન્સિલમાં સુરતના વેપારીઓ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ, કોઈ સકારાત્મક પરિણામ ન મળતા આખરે ગુરુવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જીએસટી દર ન વધારવા માટે અમે એક દિવસ માટે આ હડતાલ પાડી છે.અમારા આ બંધના એલાનમાં કોઈપણ પ્રકારનું કોઈનું રાજકીય હિત નથી. માત્ર ને માત્ર વેપારી સંગઠનો જ સક્રિય છે.ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા જણાવ્યું હતું કે આ વખતે વેપારીઓ ખરા અર્થમાં એક થયા છે.આ તો આખા દેશનો પ્રશ્ન છે.
ગુરુવારે કાપડ બજારે સ્વયંભૂ સજ્જડ બંધ પાળીને વેપારી એકતાનો પરિચય કરાવ્યો હતો.જોકે, એક તરફ આ આંદોલન બિન રાજકીય હોવાનું વેપારી અગ્રણીઓ જણાવી રહ્યાં છે. ત્યારે, બીજી તરફ આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ ગુરુવારે એક પત્રકાર પરિષદ આયોજિત કરીને તેમાં જણાવ્યું હતું કે અમારો પક્ષ આ આંદોલનનું નેતૃત્વ કરશે અને અમે વેપારીઓને રૂબરૂ મળીને જન જાગરણ કરીશું.હવે, પ્રશ્ન એ થાય છે કે શું આ લડાઈ બિન રાજકીય રહેશે ?
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત