સુરત, 30 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના પર્યાવરણ વિભાગના સભ્યોએ સમિતિના ચેરમેન અને મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાના વડપણ હેઠળ સુરત શહેરની વિવિધ ઔદ્યોગિક ઈન્ડસ્ટ્રીઝ એકમોની મુલાકાત તથા બેઠક યોજી આદિવાસી યુવાનોને રોજગારી પુરી પાડી શકાય તે માટે ઈન્ડસ્ટ્રીઝના સભ્યો સાથે વિચારવિમર્શ કર્યો હતો. સાથે સમિતિના સભ્યોમાં ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, નિઝરના ધારાસભ્ય સુનિલ ગામીત, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, સમિતિના સેક્રેટરી વિનોદ રાઠોડ તથા અન્ય અધિકારીઓ જોડાયા હતા.આ વેળાએ સમિતિના સભ્યોએ શહેરના પાંડેસરા ખાતે આવેલા કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા લક્ષ્મીપતિ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના ડાઈગ એન્ડ પ્રિન્ટીંગ ફેકટરીની મુલાકાત લીધી હતી. આ સમિતિએ સાઉથ ગુજરાત ટેક્ષટાઈલ પ્રોસેસર્સ એસોસીયેશનના સભ્યો સાથે બેઠક યોજી હતી.બેઠકમાં SGTPA ના પ્રમુખ જીતુ વખારીયા તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સમિતિના ચેરમેન મોહન ઢોડિયાએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિએ આદિવાસીઓના કલ્યાણ માટે કાર્ય કરતી સમિતિ છે. પાંડેસરા ઔદ્યોગિક વિસ્તારમાં કામદારોના સ્વાસ્થ્ય, આવાસ સહિત તેમના બાળકોના શિક્ષણ માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અંતરીયાળ વિસ્તારના ગામોને દત્તક લઈને મોડેલ ગામો બનાવવાની દિશામાં આગળ વધવાની હિમાયત કરી હતી. આદિવાસી યુવાનોને તાલીમબધ્ધ કરીને તેમને રોજગારી આપી શકાય તે માટે એસોસિયેશનને આગળ આવવાનો અનુરોધ ચેરમેનએ કર્યો હતો.
પાંડેસરા એસોસિયેશનના પ્રમુખ કમલ વિજય તુલસ્યાને ‘કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ’ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ પ્લાન્ટમાં 100થી વધુ ટેક્ષટાઈલ તથા કેમીકલ ઈન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા ગંદા પાણીને ટ્રીટ કરવામાં આવે છે. દૈનિક ધોરણે 10 કરોડ લીટર પાણીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આગામી સમયમાં વિન્ડ એનર્જી ઉત્પન્ન કરવા માટેના આયોજનની વિગતો આપી હતી. કામદારોના કલ્યાણ માટે 300 આવાસો, તેમના બાળકો માટે શાળા તથા ચિલ્ડ્રન ડે કેર સેન્ટરમાં ચાલતી પ્રવૃત્તિઓની તથા લોકડાઉન દરમિયાન કામદારોને આપવામાં આવેલા ભોજન અંગેની વિગતો આપી હતી. આદિવાસી વિસ્તારના લોકો રોજગારી અર્થે શહેરની ઈન્ડસ્ટ્રીઝોમાં ડેઈલી અપડાઉન કરી શકે તે માટે યાતાયાતની સગવડો ઉભી કરવા તેમણે સમિતિને જણાવ્યું હતું.
લક્ષ્મીપતિ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના માલિક સંજય સરાવગીએ તેમની ઈન્ડસ્ટ્રીઝની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે, ટેક્ષટાઈલઉદ્યોગએ બિન અભ્યાસુથી લઈને સુશિક્ષિત સહિતના લાખો લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. ટ્રાયબલ વિસ્તારમાં જમીન સહિતની સવલતો સરકાર દ્વારા આપવામાં આવે તો તેઓ શેડ ઉભા કરીને સાડીઓમાં વર્ક તથા સિલાઈ મશીનનું જોબવર્ક આપીને હજારો મહિલાઓને રોજગારી આપી શકાય છે. આ અંગે સમિતિના સભ્યોએ હકારાત્મક પ્રતિસાદ આપીને આગળ વધવાની તૈયારી દર્શાવી હતી.સમિતિના સભ્યોએ સવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત યુવાઓને રોજગાર નિમણુંકપત્રો, એપ્રેન્ટીસશીપ અને ઇ-શ્રમ કાર્ડ વિતરણના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત