સુરત, 31 ડિસેમ્બર : સમગ્ર દેશ દુનિયામાં કોરોનાએ ફરીથી હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે.બિન સત્તાવાર રીતે કહીએ તો દેશભરમાં ત્રીજી લહેર એ ટકોરા મારી દીધા છે. ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોના અને તેના નવા વેરિયેન્ટ ઓમીક્રોનના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા ઓમીક્રોનના 16 દર્દીઓના ઉમેરા સાથે કુલ 654 કોરોના સંક્રમિત થયા છે. રાજ્યમાં સૌથી વધુ 317 કોરોના ગ્રસ્ત દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે. જયારે બીજા ક્રમે રહેલા સુરત શહેર-જિલ્લામાં 101 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં નવા નોંધાયેલા 3 ઓમીક્રોનના દર્દીઓનો સમાવેશ થાય છે.
સુરત શહેરમાં કુલ નવા 97 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાં 3 નવા કોરોના સંક્રમિત દર્દીઓ જે નોંધાયા છે તેમાં, 2 પુરુષ અને 1 સ્ત્રીનો સમાવેશ થાય છે.સૌથી ચિંતાજનક વાત એ છે કે આ 3 નવા ઓમીક્રોન ગ્રસ્ત દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા નોંધાયેલા 97 દર્દીઓ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,12,382 પર પહોંચી છે. જયારે, જિલ્લામાં નવા નોંધાયેલા 4 દર્દીઓ સાથે અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 32,256 પર પહોંચી છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત થયેલા કુલ દર્દીઓની સંખ્યાનો આંકડો હવે 1,44,638 પર પહોંચ્યો છે.શહેર-જિલ્લામાં સદભાગ્યે એક પણ મોત ન થવાથી મૃતકોનો કુલ આંકડો 2118 યથાવત રહેવા પામ્યો છે. જેમાં સુરત શહેરના કુલ 1630 અને જિલ્લાના કુલ 488 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી 8 અને જિલ્લામાંથી 1 મળીને કુલ 9 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે. આ સાથે શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા 1,42,097 પર પહોંચી છે.જેમાં જિલ્લામાંથી ડિસ્ચાર્જ આપવામાં આવેલા કુલ 37,141 દર્દીઓનો સમાવેશ થાય છે.શહેર-જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને હવે 423 પર પહોંચી ગઈ છે.સુરત શહેર જિલ્લામાં આગામી દિવસોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા હજુ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને સુરત શહેરમાં ટેસ્ટિંગની પ્રક્રિયા વધારી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રતિ દિન 10 હાજરીથી વધુ લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત