સુરત, 31 ડિસેમ્બર : કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ્ટાઇલ અને ફૂટવેર ઉદ્યોગ પર આગામી 1 જાન્યુઆરીથી 12 જીએસટી લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જેને લઈને આ બન્ને ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોમાં ભારે વિરોધના સુર ઉઠ્યા હતા. ખાસ કરીને સમગ્ર વિશ્વમાં સૌથી મોટા પાયે નિકાસ કરતા સુરત શહેરના કાપડ માર્કેટ સાથે સંકળાયેલા વેપારીઓએ કાપડ પરના 5 ટકા જીએસટી દરને યથાવત રાખવાની માંગણી કરી હતી.તેઓની માંગને લઈને ગુરુવારે સુરત શહેરના કાપડ બજારે સજ્જડ બંધ પાળીને એકતાનું પ્રદર્શન કરીને તેમનો રોષ પ્રગટ કર્યો હતો.બીજી તરફ ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલા વિવિધ સંગઠનો દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મંત્રી દર્શના જરદોશ સહિતને જીએસટી દર ન વધારવા રજૂઆત કરવામાં આવી હતી.શુક્રવારે જીએસટી કાઉન્સિલની બેઠક હોઈને સૌની નજર આ બેઠક પર હતી.દરમિયાન આજે શુક્રવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ પરનો જીએસટી દર યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવતા સુરત શહેરના કાપડ બજારમાં હર્ષ અને ઉલાલસાનો માહોલ જોવા મળ્યો હતો.વેપારીઓ એકબીજાને મીઠાઇ ખવડાવીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.જીએસટી કાઉન્સિલના આ નિર્ણયના પગલે સુરત શહેરના કાપડ બજાર સાથે સંકળાયેલા વિવિધ એસોસિએશનોએ મંત્રી દર્શના જરદોશ અને સીઆર પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરતમાં તાજેતરમાં જ પ્રિ-વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ સી.આર.પાટીલ દ્વારા વેપારીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જીએસટી દરને લઈને અમે સતત રજૂઆતો કરી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ લેખિતમાં જીએસટી દર યથાવત રાખવા માટે માંગ કરશે.તેમનું આશ્વાસન આજે સાચું સાબિત થયું હતું.શુક્રવારે જીએસટી દર 5 ટકા યથાવત રાખવાના નિર્ણય બાદ ફોસ્ટા, ફોગવા સહિતના વિવિધ સંગઠનોએ આ જીતનું શ્રેય વેપારીઓની સંગઠિત તાકાતને આપ્યું હતું તેમજ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે હાલમાં કાપડ પર 5 ટકા જીએસટી લેવામાં આવે છે.કોરોનાની મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી કાપડ માર્કેટની હાલત કફોડી બની ગઈ હતી.છેલ્લા થોડા સમયથી કાપડ બજારમાં ફરીથી વ્યવસાયિક ગતિવિધિ તેજ થઇ છે.જો જીએસટીનો દર 5 ટકાથી 12 ટકા થાય તો તેની માઠી અસર આ ઉદ્યોગ પર પડે તેવો અંદેશો વેપારી આલમે વ્યક્ત કર્યો હતો.એક તરફ દેશમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે અને તેવા સમયે ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કેન્દ્ર સરકારનો નિર્ણય રાજકીય રીતે પણ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પર પણ પડે તેવી સંભાવનાઓ પણ રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા હતા.તેવા સમયે કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગ પરનો 5 ટકા જીએસટી યથાવત રાખતા હાલ તો ” ઘીના ઠામમાં ઘી પડ્યું રહ્યું ” તે ઉક્તિ અહીં સાર્થક થઇ છે તેમ કહીએ તો વધુ પડતું નહીં કહેવાય.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત