સુરત, 31 ડિસેમ્બર : ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયની જન્મજયંતિને અનુલક્ષીને સુશાસન સપ્તાહની ઉજવણી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આજરોજ બારડોલી ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પટેલના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન, મિશન મગલમ, ઉજજ્વલા યોજનાના લાભાર્થીઓને સહાય તથા જિલ્લાની 78 સમરસ થયેલી ગ્રામ પંચાયતોને 416 લાખના ચેકો તથા 1037 લાખના ખર્ચે 300 વિકાસકામોનું ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 10 લાભાર્થીઓને 6.86 લાખ, મનરેગા હેઠળ નવી ગ્રામ પંચાયતના નિર્માણ માટે ચાર ગ્રામ પંચાયતોને 60 ની સૈધાંતિક મંજુરી, આયુષ્યમાન યોજના હેઠળ 11 લાભાર્થીઓને કાર્ડ, ઉજ્જવલા યોજના હેઠળ 11 લાભાર્થીઓને એલ.પી.જી. કિટ્સોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
બારડોલી ટાઉન હોલ ખાતે યોજાયેલા પ્રસંગે નાયબ મુખ્ય દંડકએ જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પારદર્શિતા સાથે પહોચી રહ્યા છે. જરૂરિયાતમંદોને વિવિધ કલ્યાણકારી યોજનાકીય લાભો આપીને સુદ્રઢ જીવનવ્યાપનની અસરકારક વ્યવસ્થા પુરી પાડી રહી છે. દર કલાકે વિકાસના કામો થઇ રહ્યા છે, જેનાથી ગુજરાતના ઉદ્યોગક્ષેત્ર અને ખેતીક્ષેત્રમાં પ્રગતિના નવા શિખરો સર થયા છે. આયુષ્યમાન ભારત કાર્ડ યોજના થકી ગુજરાતની 70થી વધુ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકાય છે. સંવેદનશીલ સરકારે 60 કરોડ ગરીબ લોકોના જનધન યોજના હેઠળ બેંકના ખાતા ખોલાવ્યા છે જેથી તેમને લાભો સીધા આપી શકાય. વિદ્યવા સહાય જેવી અનેક યોજનાના નાણા લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે. જેથી વચેટીયાઓની નાબુદી થઈ છે. તેમણે જણાવ્યું કે, સેવા સેતુના માધ્યમથી ઘર આંગણે 54 જેટલી યોજનાઓના લાભો જરૂરીયાતમંદોને આપવામાં આવે છે. શ્રમિકોને ઇ- શ્રમિક કાર્ડ કઢાવી લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પંચાયતથી પાર્લામેન્ટ સુધી શ્રેણીબદ્ધ વિકાસકામો થઈ રહ્યાં છે. જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ લોકોના સતત સંપર્કમાં રહી તેમની લાગણીઓ અને માંગણીઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી વધુમાં વધુ વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ કરી રહ્યા છે. ગામપંચાયતની ચૂંટણીઓમાં આ તાલુકામાં મહત્તમ ગામો સમરસ થયા છે થયા હોવાનું તેમણે જાણાવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશપટેલે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ગામલોકોની સર્વસંમતિથી થાય એ જરૂરી છે. જેના કારણે ગામ્યજનો ગામના વિકાસના કામોમાં ઉત્સાકહભેર ભાગ લઈ ગામને વિકાસના પંથે લઈ શકે. સર્વસંમતિથી રચાતી ગ્રામ પંચાયતો માટે પ્રોત્સાકહક અનુદાનની રકમ રાજય સરકાર દ્વારા આપવામાં આવે છે. સુરત જિલ્લાની 78 સમરસ ગ્રામપંચાયતોને 416.25 લાખના ચેક અર્પણ થયા છે સરાહનીય બાબત છે. તેમણે જિલ્લા પંચાયતની યોજના વિશે જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોને ઇનામ આપવામાં આવશે. પ્રથમ નંબર મેળવનારી પંચાયતને 21 લાખ, બીજાક્રમને 15 લાખ અને ત્રીજા નંબર ગ્રામપંચાયતને 7 લાખનું ઇનામ આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વમંત્રી અને ધારાસભ્ય ઇશ્વર પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય ભારતી રાઠોડ, બારડોલી પ્રાંત અધિકારી સ્મિત લોઢા, ડીઆરડીએના નિયામક એમ.બી.પ્રજાપતિ તથા બારડોલી નગરપાલિકા સભ્યો, ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત