સુરત, 31 ડિસેમ્બર : ગત દિવસોમાં સમગ્ર રાજ્યમાં વર્તમાન ભાજપા સરકાર દ્વારા અમદાવાદ, સુરત સહિતના શહેરમાં ” નદી ઉત્સવ ” ઉજવવામાં આવ્યો હતો. સુરત શહેર ખાતે તાપી મૈયાના પૂજન અર્ચન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ ” નદી ઉત્સવ ” અને અન્ય ઉત્સવો ભાજપ સરકાર પ્રજાની પરસેવાની કમાણીમાંથી કરે છે અને તાયફાઓ કરે છે તેવા આક્ષેપો શુક્રવારે સુરત શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સુરત શહેરના કાર્યકારી અધ્યક્ષ નૈષધ દેસાઈ અને અન્ય અગ્રણીઓએ કર્યા હતા.આગામી 1 જાન્યુઆરી-2022થી 7 જાન્યુઆરી-2022 સુધી સુરત શહેરમાં સુરત શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ” ખાડી મહોત્સવ ” ના રૂપમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શુક્રવારે પત્રકાર પરિષદમાં આ કાર્યક્રમો વિષે માહિતી આપતા દેસાઈએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં 33 વર્ષથી ભાજપ શાસન કરે છે તેમ છતાં શહેરીજનોને ગંદી-ગોબરી-ગંધાતી ખાડીમાંથી છુટકારો મળ્યો નથી.જયારે, પ્રજાના પૈસે શાસક પક્ષ નિષ્ફ્ળ શાસનની સાપ્તાહિક ઉજવણી કરે છે.ત્યારે, શહેરીજનોને આ ખાડીમાંથી મુક્તિ મળે તેવા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ભજન સંધ્યા, હનુમાન ચાલીસા પાઠ, મહાપ્રસાદ સ્વરૂપે ખીચડીનું વિતરણ,રામધૂન, દલિત અને હળપતિવાસમાં ફૂડ પેકેટ, ભોજન, ધાબળા વિતરણ, ભગવાન શ્રી સત્યનારાયણની કથા, વિના મુલ્યે માસ્ક વિતરણ, સફાઈ કર્મચારીઓનું સન્માન, એ.કે.રોડ સ્થિત લેપ્રસી હોસ્પિટલમાં દર્દીઓને ભોજન સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.
શહેરમાં કોંગ્રેસ દ્વારા એક સપ્તાહ સુધી ” ખાડી મહોત્સવ ” નું તો આયોજન કરવામાં આવ્યું.પરંતુ, શહેરના લોકોને ખાડીથી મુક્ત કરવાના આંદોલનની કોઈ સ્પષ્ટ રણનીતિ આ પત્રકાર પરિષદમાં કોંગી અગ્રણીઓ પ્રદર્શિત ન કરી શક્યા.જયારે, બીજી તરફ એનએસયુઆઇના અગ્રણીઓ દ્વારા પણ શિક્ષા બચાવો,દેશ બચાવો અભિયાન અંતર્ગત અવાજ ઉઠાવવાની વાતો કરી. પરંતુ, તેમાં પણ કોઈ નક્કર કાર્યક્રમો કે યોજના તેઓ જાહેર કરી ન હતી.ત્યારે, હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસના આ ” ખાડી મહોત્સવ “ને કેટલું જન સમર્થન પ્રાપ્ત થાય છે ?
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત