સુરત, 2 જાન્યુઆરી : સમગ્ર દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. કોરોનાની ત્રીજી લહેરે ટકોરા મારી દીધા છે. દેશના અન્ય રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે, ગુજરાતમાં પણ આ મહામારી હવે દિવસે ને દિવસે તેનો પ્રકોપ વધારી રહી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અધધ કહી શકાય તેમ કુલ 968 દર્દીઓ કોરોના ગ્રસ્ત થાય છે. રાજ્યમાં અમદાવાદશહેર-જિલ્લામાં સૌથી વધુ 404 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં બીજા ક્રમે રહેલા સુરત શહેરમાં નવા 209 અને જિલ્લામાં 14 નવા દર્દીઓ સાથે કુલ 223 દર્દીઓ નોંધાયા છે.સુરત શહેરમાં ઓલપાડ-દાંડી રોડ પર આવેલી તાપ્તી વેલી સ્કૂલમાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે. આ શાળામાં 8 વિદ્યાર્થીઓ અને 7 શિક્ષકો સહિત કુલ 15 લોકો કોરોના સંક્રમિત થતા તંત્રએ 5 દિવસ અંતે શાળા બંધ કરાવી છે.
રાજ્યની આર્થિક રાજધાની મનાતા સુરત શહેર અને જિલ્લામાં દિન પ્રતિ દિન વધી રહેલી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાએ હવે તંત્રની ચિંતામાં વધારો કરી દીધી છે.છેલ્લા 24 કલાકામ સુરત શહેરમાં નવા 209 દર્દીઓ સાથે શહેરનો કુલ આંક 1,12,747 પર જયારે, જિલ્લામાં નવા નોંધાયેલા નવા 14 દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 32,293 પર પહોંચ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની અત્યાર સુધીની કુલ સંખ્યા હવે 1,45,040 પર પહોંચી છે. સદ્ભાગ્યે છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં એક પણ દર્દીનું મોત ન થવાથી મૃતકોનો કુલ આંકડો 2118 પર યથાવત રહેવા પામ્યો છે. જેમાં સુરત શહેરના કુલ મૃતકોની સંખ્યા 1630 અને જિલ્લાના કુલ મૃતકોની સંખ્યા 488નો સમાવેશ થાય છે.સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંકડો 1,42,115 પર પહોંચ્યો છે.જેમાં, સુરત જિલ્લાના કુલ ડિસ્ચાર્જ પામેલા 37,741 દર્દીઓનો સમાવેશ થાય છે. શહેર-જિલ્લામાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે હવે એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 807 પર પહોંચી ગઈ છે.
અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગઈ કાલે સુરત શહેર-જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યા 164 હતી. જેમાં છેલ્લા 24 કલાકમાં 57 દર્દીઓની સંખ્યા વધી છે.શાળાઓમાં વધી રહેલા સંક્રમણને પગલે હવે વાલીઓમાં ફરીથી શાળાઓ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગ ઉઠી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત