સુરત, 2 જાન્યુઆરી : સુરતના આંબાતલાવડી,કતારગામ ખાતે સમસ્ત પાટીદાર સમાજ હોલમાં લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-નીલકંઠધામ,પોઈચા દ્વારા આયોજિત, બે દિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જાગૃતિ સમારોહ અને કૃષિ પ્રદર્શનને રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે આજરોજ ખૂલ્લુ મૂક્યું હતું.
‘ આત્મનિર્ભર ગામડાઓના નિર્માણથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ.’ની થીમ પર તા.2 અને 3 જાન્યુ. દરમિયાન આયોજિત પ્રાકૃતિક કૃષિ સમારોહમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગના લીધે માનવીના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પડી છે, અને ભૂમિ ફળદ્રુપતા ઘટવા સાથે જમીનમાં રહેલા કુદરતી પોષક તત્વો નામશેષ થયા છે, ત્યારે હવે પ્રાકૃતિક ખેતી પ્રકૃત્તિ તરફ પાછા ફરવા માટે અમોઘ ઉપાય છે.
પ્રાકૃતિક કૃષિ થકી કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા ગુજરાતના ખેડૂતો જાગૃત્ત બની રહ્યા છે, જેમાં રાજ્ય સરકાર પણ શક્ય તમામ પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે. ખેડૂતો પર આર્થિક ભારણ ન પડે એ માટે રાજ્ય સરકાર છેલ્લા 20 વર્ષથી વીજ યુનિટ દીઠ 60 પૈસાના દરે કૃષિ વિદ્યુત પૂરી પાડે છે. ઉપરાંત દર વર્ષે રૂ.7 હજાર કરોડની સબસિડી વિદ્યુત બોર્ડને ચૂકવે છે.
રાજ્યના પ્રથમ ઓર્ગેનિક જિલ્લા ડાંગમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ.10 હજારની સહાય આપે છે. આવનારા સમયમાં રાજ્યના જાગૃત્ત ખેડૂતો પ્રાકૃત્તિક કૃષિ અપનાવશે તો તેનો સીધો ફાયદો ખેડૂતોની સાથોસાથ સરકારને પણ થશે એમ જણાવી રાજ્યના મહત્તમ ખેડૂતોને પ્રાકૃત્તિક કૃષિ તરફ વાળવા રાજ્ય સરકાર કૃત્તનિશ્ચયી છે, અને આ માટે કિસાનોને શક્ય તમામ મદદ કરવા કૃષિ વિભાગ સંકલ્પબદ્ધ હોવાનું મંત્રીએ કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોને તેમની કૃષિ જણસના પોષણક્ષમ ભાવો આપવાની સતત કાળજી લીધી છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં ટેકાના ભાવે રૂ.20 હજાર કરોડની કૃષિપેદાશોની ખરીદી કરી છે. ગાય આધારિત ખેતી કરતા ખેડૂતને ગાય દીઠ રૂ.900 પ્રતિ મહિના પ્રમાણે રૂ.10,800 વાર્ષિક સહાય આપવામાં આવે છે એમ જણાવી જળસંચય, બેટી બચાવો અભિયાન જેવા લોકહિતકારી અભિયાનમાં ગુજરાતે લીડ લીધી છે એ જ રીતે પ્રાકૃત્તિક ખેતીમાં પણ ગુજરાતના કિસાનો લીડ લઈને દેશને નવી દિશા ચીંધે એવો મંત્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વેડરોડ ગુરૂકુળના સ્વામી ધર્મવલ્લભદાસજી, સ્વામી કૈવલ્યસ્વરૂપ દાસજી (નીલકંઠ ધામ), લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મર, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળા, સુરત એ.પી.એમ.સી. ચેરમેન રમણ જાની, સામાજિક અગ્રણી રાકેશ દુધાત, પ્રાકૃતિક કૃષિ સંયોજક સમિતિના પ્રદેશ સંયોજક પ્રફુલ સેંજલીયા, અગ્રણીઓ ધનજી ભગત, મનુ કાકડીયા, કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓ, પ્રાકૃતિક કૃષિ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત