સુરત, 3 જાન્યુઆરી : લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ દર મહિનાના ચોથા ગુરૂવારે કલેકટર અધ્યક્ષપદે અને ચોથા ગુરૂવાર પહેલાંના બુધવારે મામલતદારની કચેરીમાં વર્ગ-1 ના અધિકારીઓના અધ્યક્ષસ્થાને આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે 25મી જાન્યુ.-મંગળવારના રોજ સવારે 11 કલાકે ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ અને 27મી જાન્યુ.-ગુરૂવારે સવારે 11 કલાકે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાશે. 25મીએ સૂરત જિલ્લા કલેક્ટર સવારે 11 વાગ્યે કોઈ પણ તાલુકાની ઓચિંતી મુલાકાત લેશે.જિલ્લા વિકાસ અધિકારી મહુવા તાલુકાના તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકકામરેજ તાલુકાની મામલતદાર કચેરીના સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકપ્રશ્નોનું રૂબરૂ નિવારણ લાવશે.
સ્વાગત કાર્યક્રમમાં ચોર્યાસી તાલુકામાં નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંત, મહુવા તાલુકામાં નાયબ કલેકટર બારડોલી પ્રાંત, પલસાણા તાલુકામાં નાયબ કલેકટર કામરેજ પ્રાંત,ઉમરપાડા તાલુકામાં નાયબ કલેકટર માંડવી પ્રાંત, ઓલપાડમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત), માંડવીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ), કામરેજમાં સુરત જિલ્લા પુરવઠા અધિકારી, બારડોલીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), માંગરોળમાં નાયબ નિયામક, સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) અડાજણ સુરતના અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નીતિવિષયક કે સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થતો હોય તેવા કામોની નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો, રજૂઆતો અંગેની અરજી “મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી” તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને લખવી અને 1 થી 10 સુધીમાં આપવી, જેનો 25મી ડિસેમ્બરના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે એમ નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત