સુરત, 2 જાન્યુઆરી : ‘ રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ઉપલબ્ધ છે, જેથી ગુજરાતનો પ્રત્યેક કિસાન ઝેરમુક્ત ખેતી કરવાનો સંકલ્પ લે. પ્રાકૃતિક ખેતીથી કૃષિખર્ચ ઘટશે, આરોગ્યદાયક ખાદ્યાન્ન મળશે તથા પર્યાવરણની રક્ષા થશે.’ એમ સુરતના આંબાતલાવડી, કતારગામ ખાતે સમસ્ત પાટીદાર સમાજ હોલમાં લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-નીલકંઠધામ,પોઈચા દ્વારા આયોજિત બે દિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જાગૃતિ સમારોહ અને કૃષિ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું. રાજ્યપાલએ અહીં કૃષિ પ્રદર્શનમાં વિવિધ સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતો ને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યપાલએ ખેડૂતો અને કૃષિપ્રેમી અગ્રણી ઉદ્યોગકારોને સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે, હરિયાણાના કુરૂક્ષેત્રમાં પોતાની 200 એકર જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકો થકી જાતે ખેતી કરતાં ત્યારે કૃષિ ખર્ચ દર વર્ષે વધતો ગયો અને ઉત્પાદન ઘટ્યું-જમીનની ફળદ્રુપતા ઘટી. આથી સુભાષ પાલેકરની પ્રેરણાથી પ્રથમ વર્ષે 5 એકર, બીજા વર્ષે 10 એકર અને ત્રીજા વર્ષે 90 એકરથી પ્રાકૃતિક ખેતી કરીને સફળતા મેળવી અને આજે આ પદ્ધતિમાં તમામ મોરચે સફળતા મળી રહી હોવાનું રાજ્યપાલએ ગર્વથી કહ્યું હતુ.
રાજ્યપાલએ કૃષિ વૈજ્ઞાનિકોના તારણોને રજૂ કરી ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની અસરકારકતા સમજાવતા જણાવ્યું કે, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પ્રાકૃતિક કૃષિ સાથે 50 હજાર કિસાનોને આ કૃષિ પદ્ધતિ વિશે સમજણ આપી જોડયા હતા. આજે હિમાચલપ્રદેશમાં આ સંખ્યા વધીને 1.50 લાખ સુધી પહોંચી ચૂકી છે.
‘આત્મનિર્ભર ગામડાઓના નિર્માણથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ.’ની થીમ પર 2 અને 3 જાન્યુ. દરમિયાન આયોજિત પ્રાકૃતિક કૃષિ સમારોહમાં તેમણે અહીં ઉપસ્થિત પ્રત્યેક ખેડૂતો અને હીરા વ્યાપારીઓને દેશની માટી-ભૂમિને ઝેરી રસાયણોથી બચાવવાનો સંકલ્પ લેવા અને ખેડૂતોની સમૃદ્ધિ અને દેશવાસીઓના સુખી અને તંદુરસ્ત જીવન માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરક આહવાન રાજ્યપાલએ કર્યું હતું.
ગુજરાત પ્રાકૃતિક ખેતીના આદર્શ રાજ્ય તરીકે દેશનું નેતૃત્વ કરશે તેવો વિશ્વાસ રાજ્યપાલએ વ્યક્ત કરતા તેમણે એ વાતનો સહર્ષ ઉલ્લેખ કર્યો કે, હાલમાં જ હિમાચલ સરકારના રિપોર્ટ મુજબ પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચ 56 ટકા ઘટ્યો છે, અને કિસાનોની આવક 27 ટકા વધી છે. આ કૃષિપદ્ધતિનું ભાવિ ખૂબ ઉજ્જવળ છે, જે કરોડો ખેડૂતોના જીવનને ઉન્નત બનાવશે. તેમણે એમ પણ કહ્યું કે દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં 300 કરોડ જીવાણુઓ રહેલા હોય છે, જે આ ખેતીની સફળતાના મૂળમાં છે, ત્યારે આશીર્વાદરૂપ બનેલી પ્રાકૃતિક કૃષિને અપનાવી ગુજરાતના કિસાનો ઉન્નતિ માટેનો માર્ગ પ્રશસ્ત કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
ભારતીય સંસ્કૃતિમાં ધરતીને માતાનું બિરૂદ આપવામાં આવ્યું છે, ત્યારે ભૂમિપુત્ર સંતાનોએ રસાયણો અને ડી.એ.પી., યુરિયા ખાતરનો છંટકાવ કરીને ધરતીમાતાને મૃત:પ્રાય કરવાનું અધર્મકાર્ય ક્યારેય ન કરવું એવો ભારપૂર્વક અનુરોધ રાજ્યપાલએ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણીય સમસ્યાઓને હળવી કરવામાં ખૂબ મદદ મળે છે.રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળા અને પદ્મ મથુરસવાણીએ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરી પ્રાકૃતિક ખેતી હવે સમયની માંગ હોવાનું અને મહત્તમ ખેડૂતો આ કૃષિને અપનાવવા ગંભીર બને એવો મત વ્યક્ત કર્યો હતો, અને ઉમેર્યું કે નવી કૃષિ ક્રાંતિ તરફ રાજ્યના ખેડૂતો આગળ વધી રહ્યા છે, અને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત થયા છે, ત્યારે આ ક્ષેત્રે પણ ગુજરાત નિશ્ચિતપણે દેશને નવી રાહ ચીંધશે. નોંધનીય છે કે, આ સમારોહમાં બે દિવસ દરમિયાન કૃષિ વિચાર સંગોષ્ઠિ, યુવા અને મહિલા કૃષિ શિબિર યોજાશે જેમાં પ્રગતિશીલ ખેડૂતોસ્વાનુભવો જણાવીને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરણા આપશે.
આ પ્રસંગે વેડરોડ ગુરૂકુળના સ્વામી ધર્મવલ્લભદાસજી, નીલકંઠ ધામ-પોઈચાના સ્વામી કૈવલ્યસ્વરૂપ દાસજી, સુરત એ.પી.એમ.સી. ચેરમેન રમણ જાની, ઉદ્યોગ અગ્રણી અને શ્રીહરિ ગ્રુપના ચેરમેન રાકેશ દુધાત, પ્રાકૃતિક કૃષિ સંયોજક સમિતિના પ્રદેશ સંયોજક પ્રફુલ સેંજલીયા, અગ્રણીઓ ધનજી ભગત, મનુ કાકડીયા, કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓ, પ્રાકૃતિક કૃષિ પ્રેમીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત