સુરત શહેર-જિલ્લામાં પ્રથમ દિવસે 15થી 18 વય જૂથના 47074 કિશોરોનું રસીકરણ કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 3 જાન્યુઆરી : કોરોનાને મ્હાત આપવા અને દેશવાસીઓને કોરોના સામે સંરક્ષિત કરવાના હેતુથી સરકારે મહત્તમ વેક્સીનેશનનું લક્ષ્ય સેવ્યું છે. ગુજરાતમાં આજથી 15થી 18 વર્ષના કિશોરો માટે કોરોના પ્રતિરોધક વેક્સીનેશન ડ્રાઈવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે સુરત શહેરમાં 26124 તથા જિલ્લામાં 20950 કિશોરો મળી કુલ 47074 કિશોર-કિશોરીઓએ ઉત્સાહભેર રસી મૂકાવીને કોરોના સામેના જંગમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોવીડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત આજે પ્રથમ દિવસે 15થી 18 વર્ષ વય જૂથના બાળકોનું રસીકરણ સુમન શાળા નં.6, વિજ્યાનગર, ઉધના ખાતે મેયર હેમાલી બોધાવાલા તથા કમિશ્નર બંછાનિધિ પાનીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય વિવેક પટેલ, પાલિકાના શાસકપક્ષના દંડક, ઉધના ઝોનના મ્યુ.સદસ્યો તેમજ સુરત મહાનગરપાલિકાનાં અધિકારીઓ અનેકર્મચારીઓ હાજર રહ્યા હતા. અંદાજીત 115 જેટલી શાળાઓમાં અને 9 જેટલા અન્ય રસીકરણ કેન્દ્રો મળી કુલ 124 સેન્ટરો પર 15થી 18 વર્ષ વય જૂથના કુલ 26124 કિશોરોનું રસીકરણ કરીને સુરક્ષિત કરવામાં આવ્યા હતા. સૌથી વધુ નોર્થ ઝોન(કતારગામ)માં 5689 કિશોરો, ઈસ્ટ ઝોન બી-સરથાણામાં 2986 , સાઉથ ઈસ્ટ ઝોન લિબાયતમાં 3929, વેસ્ટ (રાંદેર)ઝોનમાં 3537, સાઉથ(ઉધના) ઝોનમાં 3039, સાઉથ વેસ્ટ ઝોન(અઠવા)માં 3413 તથા સેન્ટ્રલ ઝોનમાં 642 કિશોરોને રસીકરણ કરાયું હતું.
સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં 146 ટીમો દ્વારા કુલ 20950 કિશોરોનું રસીકરણ કરાયું હતું. જેમાં ચોર્યાસીમાં 1468, કામરેજમાં 2667, પલસાણામાં 3250, ઓલપાડમાં 3058, બારડોલીમાં 2349, માંડવીમાં 2429, માંગરોળમાં 2154, મહુવામાં 2534 અને ઉમરપાડા તાલુકામાં 1041 કિશોરો મળી કુલ 20950 જેટલા કિશોરોને પોતાની શાળામાં, ગામના પ્રાથમિક અથવા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રસીકરણ કરાયું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *