સુરત, 6 જાન્યુઆરી : સુરત શહેરના સચીન જી.આઈ.ડી.સી.વિસ્તારમાં મળસ્કે ટેન્કરમાંથી કેમિકલ ઠાલવતા ઝેરી ગેસની અસરના કારણે આસપાસના શ્રમિકોને ગેસના કારણે ગંભીર અસર થઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રમિક દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમની આજરોજ જિલ્લા કલેકટર આયુષ ઓકે મુલાકાત લઈ તેમની સારવાર સંદર્ભે ડોકટરો સાથે ચર્ચા કરી હતી. મીડિયા સાથેની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સચીન જી.આઈ.ડી.સી.માં સવારે 6 વાગે ગેસ લીકેજના કારણે 6 લોકોના મૃત્યૃ થયા છે જયારે 23 દર્દીઓ નવી સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. જે પૈકી 7 વેન્ટીલેટર પર છે. સિવિલના નિષ્ણાંત ડોકટરો દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં પોલીસ તપાસ કરી રહી છે. જયારે જી.પી.સી.બી. તથા એફ.એસ.એલ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
અત્રે ઉલ્લખનીય છે કે આ દુર્ઘટનામાં પોલીસે આ સમગ્ર મામલે માનવ વધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.સંદીપ ગુપ્તા, પ્રેમ ગુપ્તા, પ્રકાશ મારવાડી સહિત આઠથી 10 લોકોની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ દુર્ઘટનામાં હાઇડ્રોજન સલ્ફાઈટથી મોત થયાની આશંકા તબીબો દ્વારા સેવવામાં આવી રહી છે.આ દુર્ઘટનામાં ટેન્કરનો ડ્રાઈવર હાલ બેભાન છે. એ ભાનમાં આવ્યા બાદ વધુ વિગતો જાણવા મળશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત