સુરત, 6 જાન્યુઆરી : સુરત શહેરના મજુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી 8મી જાન્યુઆરીના રોજ તેમના 37માં જન્મદિને આયોજિત નમો જોબ ફેર, બ્લડ કેમ્પ, વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સહિતના તમામ કાર્યક્રમો હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. તેઓએ વોટસ એપ અને ટવીટરના માધ્યમથી સર્વેને આ જાણ કરી હતી.
ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે પ્રતિ વર્ષ તેમના જન્મદિને નમો જોબ ફેરના માધ્યમથી બેરોજગાર યુવાનોને નોકરી અપાવવાનું કાર્ય કરવામાં આવે છે. આ વર્ષે પણ નમો જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે 350 કંપનીઓ અને 18 હજારથી વધુ યુવાનોએ આ ફેર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.તેની સાથે સાથે બ્લડ કેમ્પ અને વિવિધ સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો વધી રહ્યા છે.તેને ધ્યાનમાં લઈને સામાજિક કાર્યો અને નમો જોબ ફેર હાલ મોકૂફ રાખવામાં આવ્યા છે.યુવાનોને તક મળે તે હેતુથી નવી તારીખો જાહેર કરીશું. ટેક્નોલોજીના માધ્યમથી વિવિધ કંપનીઓ આ યુવાનોના ઇન્ટરવ્યુ લઈ શકે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.નાગરિકોના હિતમાં મારા જન્મદિન નિમિત્તે આયોજિત તમામ કાર્યક્રમો કેન્સલ કરવામાં આવે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત