સુરત: શહેરની બીઆરટીએસ-સીટી બસમાં મનપાની ગાઇડલાઇનના ઉડ્યા ધજાગરા

સ્થાનિક
Spread the love

સુરત, 6 જાન્યુઆરી : સુરત શહેરમાં લોકોના પરિવહન માટે કાર્યરત એવી વિવિધ રૂટો પર દોડતી સીટી બસ અને બીઆરટીએસ બસમાં પણ બેસનારા મુસાફરો માટે તંત્ર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.જોકે, આ ગાઇડલાઇનનો ઉલાળિયો કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો આ બસોમાં જોવા મળી રહયા છે.શહેરમાં આજે બપોર સુધીમાં જ 371 કોરોના સંક્રમિત દર્દીઓનો નોંધાયા છે ત્યારે,લોકોની બેદરકારી આવનારા દિવસોમાં આ શહેરમાં મહામારીનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં.


સમગ્ર દેશ દુનિયામાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમીક્રોનનો વિકરાળ પંજો ફરી વળ્યો છે.ભારતમાં પણ છેલ્લા 24 કલાકમાં 90 હજારથી વધુ કોરોના સંક્રમિત થયા છે.વાત કરીએ ગુજરાતની તો હવે રાજ્યમાં કોરોના સંક્રમણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે.રાજ્યમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ પણ આખરે રદ કરવાની રાજ્ય સરકારને ફરજ પડી છે.ત્યારે, સુરતમાં પણ દિન પ્રતિ દિન રહેલા કોરોના સંક્રમણના પગલે તંત્ર હવે વધુ દોડતું થયું છે.મનપા દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇન અનુસાર આ બસમાં બેસનારા મુસાફરોએ કોરોના અંગેની રસીનો બન્ને ડોઝ લીધો હોવો જરૂરી છે.તેમજ તમામ મુસાફરોએ માસ્ક ફરજિયાતપણે પહેરેલો હોવો જોઈએ.બસમાં સોશિયલ ડિસ્ટન્સનું કડકાઈથી પાલન કરવાનો મનપા કમિશનરે આદેશ કર્યો છે. બીઆરટીએસ અને સીટી બસમાં 50 ટકા બેઠક ક્ષમતા સાથે જ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.જોકે, આ તમામ નિયમોના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો ગુરુવારે શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી બસોમાં જોવા મળ્યા હતા.ગુરુવારે બીઆરટીએસ તેમજ સિટી બસમાં મુસાફરો ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા.ઘણા મુસાફરો તો માસ્ક વિના બિન્દાસ મુસાફરી કરતા પણ જોવા મળ્યા હતા.બસમાં મુસાફરી કરતા આટલા બધા મુસાફરોના બન્ને ડોઝની ચકાસણી ખરેખર કરવામાં આવતી હશે કે કેમ ? તે પણ એક બહુ મોટો સવાલ ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *