સુરત, 6 જાન્યુઆરી : સમગ્ર દેશ-દુનિયામાં વિકરાળ પંજો ફેલાવનારા કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના પ્રકોપ વચ્ચે ભારતમાં પણ દિવસે ને દિવસે આ મહામારી હવે ફરીથી માથું ઊંચકી રહી છે.ત્યારે, ગુજરાતમાં હવે સ્થિતિ ફરીથી એક વાર વણસી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4213 કોરોના પોઝિટિવ નોંધાયા છે.જયારે, 1 દર્દીનું કરૂણ મોત થયું છે.
અમદાવાદ બાદ રાજ્યમાં સૌથી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ સુરત શહેર-જિલ્લામાં નોંધવાનો સિલસિલો ગુરુવારે પણ યથાવત રહેવા પામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો હોય તેવા સ્પષ્ટ એંધાણ સાથે કુલ 1193 નવા દર્દીઓ સંક્રમિત થયા છે. જેમાં સુરત શહેરના નવા 1105 અને જિલ્લાના નવા 88 દર્દીઓનો સમાવેશ થાય છે.શહેરમાં નવા નોંધાયેલા 1105 દર્દી સાથે શહેરનો કુલ આંક 1,15,110 અને જિલ્લામાં નવા નોંધાયેલા 88 દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 32, 462 પર પહોંચ્યો છે. આ સાથે શહેર-જિલ્લાનો કોરોના ગ્રસ્ત દર્દીઓનો કુલ આંકડો હવે 1,47,572 પર પહોંચ્યો છે.સદ્ભાગ્યે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત ન થવાથી શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંકડો 2118 યથાવત રહેવા પામ્યો છે.છેલ્લા 24 કલાકમાં જિલ્લામાંથી માત્ર 1 દર્દીને ડિસ્ચાર્જ આપવા સાથે શહેર-જિલ્લામાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંકડો હવે 1,42,177 પર પહોંચ્યો છે.શહેર-જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો આંકડો સતત વધીને હવે 3277 પર પહોંચ્યો છે.બીજી તરફ સુરત ગ્રામ્યમાં પણ કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. ઉકા તરસાડીયા યુનિવર્સીટીમાં એક સાથે 57 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે.
અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે સુરત શહેરમાં 245 દિવસ બાદ કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1 હજાર ઉપર પહોંચી છે.ગત 6 મે 2021ના રોજ સુરત શહેરમાં 1039 દર્દી નોંધાયા હતા.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ 484 દર્દીઓ નોંધાયા છે.શહેર-જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના પગલે હવે શૈક્ષણિક સંસ્થાનોમાં ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઉઠી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત