સુરત, 7 જાન્યુઆરી : રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈએ મીડિયા સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, કોરોનાના સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સુરત શહેર-જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અને જરૂરિયાતની જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર સાથે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી છે. કોરોનાના સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવાં રાજ્ય સરકાર સંપૂર્ણ સજજ છે.ભૂતકાળમાં બે લહેરનો મક્કમતાથી સામનો કરવાનો આરોગ્યતંત્રને અનુભવ છે. આગામી સંભવિત ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના એક્શન પ્લાન પ્રમાણે આગોતરી તૈયારીઓ અને જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યાં છે.સુરત શહેર-જિલ્લાના તમામ ઓક્સિજન પ્લાન્ટ શરૂ છે, અને તેની કાર્યક્ષમતાની પણ ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. દર્દીઓની સારવારમાં તેમજ લોકોમાં ઓછામાં ઓછુ સંક્રમણ ફેલાય એ માટે કોઈપણ પ્રકારની કચાશ ન રહે એ માટે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. મંત્રીએ વેકસીનનો બીજો ડોઝ લેવામાં બાકી હોય તેવા શહેરીજનોને સત્વરે ડોઝ લઈ લેવા અનુરોધ કર્યો હતો.ગત બે લહેરની સરખામણીમાં હાલ કોરોનાનો પ્રભાવ વ્યાપક રસીકરણને લીધે કાબુમાં છે, અને રિકવરી રેટ પણ ઉંચો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની રાજ્યમાં સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ લોકહિતમાં વાઇબ્રન્ટ ગુજરાત જેવી મહત્વાકાંક્ષી ઈવેન્ટને પણ મોકૂફ રાખવામાં આવી છે. હાલની કોરોનાની સ્થિતિની સમયાંતરે સમીક્ષા કરી સતત નજર રાખવામાં આવી રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત