સુરત, 7 જાન્યુઆરી : મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022અંતર્ગત 1 જાન્યુઆરી-2022ની સ્થિતિએ તૈયાર થયેલી સુરત જિલ્લાના તમામ 16 વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની ગત 5મી જાન્યુ.ના રોજ આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આખરી પ્રસિદ્ધિના અંતે સુરત જિલ્લાની મતદારયાદીમાં 25,24,465 પુરૂષ મતદારો અને 21,61,611 સ્ત્રી મતદારો અને અન્ય 123 મતદારો મળી કુલ 46,86,199 નોંધાયેલ મતદારોનો સમાવેશ થયો છે. આ સુધારણા કાર્યક્રમ દરમિયાન કુલ 1,33,503 મતદારોનો નેટ વધારો થયો છે. જેમાં 18થી 19 વર્ષ વયજુથના કુલ 60,766 યુવાઓની, જયારે 20થી 29 વર્ષ વયજુથના કુલ 54,671 નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરવામાં આવી છે. જ્યારે 44,257 મતદારો કમી થયાં છે. 5મી જાન્યુ.ના રોજ પ્રસિદ્ધ થયેલી આખરી મતદાર યાદી મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ www.ceo.gujarat.gov.in ઉપર પણ જોઈ શકાય છે.
મતદારયાદીમાં નોંધણી માટે લાયકાત ધરાવતા બાકી રહેલા તમામ નાગરિકો ‘‘સતત સુધારણા (Continuous Updation)” હેઠળ મતદારયાદીમાં નામ દાખલ કરવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરી શકે છે. ઉપરાંત, પ્રવર્તમાન મતદારયાદીમાંથી નામ કમી કરવા, ફોટો વિગતમાં સુધારો કરવા, એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ ફેરફાર માટે નિયત નમૂનામાં અરજી કરી શકે છે. તેમજ, www.voterportal.eci.gov.in તથા www.nvsp.in અને Voter Helpline મોબાઈલ એપ ૫૨ જઈને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે. મતદારોને તેમના ઓળખકાર્ડ સ્પીડપોસ્ટ મારફત તેઓના ઘરના સરનામા પર પહોંચાડવામાં આવશે. મતદાર ફોટો ઓળખકાર્ડ ધરાવનાર મતદારનું નામ પ્રવર્તમાન મતદારયાદીમાં સમાવિષ્ટ હશે તો જ સંબંધિત ચૂંટણીમાં મતદાન કરી શકશે. જેથી સર્વે નાગરિકો-મતદારોને મતદારયાદીમાં નામ સમાવિષ્ટ થયું હોવા અંગે ચકાસણી કરી લેવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત