સુરત શહેર-જિલ્લામાં રોકેટ ગતિએ વધતો કોરોના : 1979 કોરોના ગ્રસ્ત, 312ને અપાયો ડિસ્ચાર્જ

સ્થાનિક
Spread the love

સુરત, 9 જાન્યુઆરી : સમગ્ર દેશ-દુનિયામાં કોરોનાની મહામારીએ માનવજીવનને ત્રાહિમામ પોકારાવી દીધું છે. ત્યારે, ભારતમાં પણ આ મહામારી હવે બેકાબુ બની રહી છે. દેશના વિવિધ રાજ્યોમાં દિન પ્રતિ દિન કોરોના સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે.ગુજરાતમાં પણ કોરોનાએ હવે તંત્ર અને લોકોને ચિંતાજનક સ્થિતિમાં મૂકી દીધા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 6275 કોરોના ગ્રસ્ત થયા છે.જેમાં સૌથી વધુ 2519 અમદાવાદમાં નોંધાયા છે. સુરતમાં 1979, વડોદરામાં 398 જયારે રાજકોટમાં 254 દર્દીઓ સંક્રમિત થયા છે.જોકે,છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઓમીક્રોનનો એક પણ દર્દી નોંધાયો નથી.
સુરત શહેર-જિલ્લામાં કોરોના એ હવે માઝા મૂકી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 1796 દર્દી સાથે કુલ આંકડો 1,19,834 પર પહોંચ્યો છે.જયારે, જિલ્લામાં નોંધાયેલા નવા 183 દર્દીઓ સાથે કુલ આંકડો 32,830 પર પહોંચ્યો છે.શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આ નવા 1979 દર્દીઓ સાથે શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 1,52,664 પર પહોંચી છે.સદ્ભાગ્યે સુરત શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત ન થવાથી મૃતકોનો કુલ આંકડો 2119 પર યથાવત રહેવા પામ્યો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 263 અને જિલ્લામાં 49 મળીને કુલ 312 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના મુક્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 1,43,071 પર પહોંચી છે.જેમાં જિલ્લાના કુલ 31,811 ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો સમાવેશ થાય છે.પ્રતિ દિન વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યાના કારણે એક્ટિવ કેસમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 7474 પર પહોંચી ગઈ છે.
સુરત શહેરમાં તંત્ર દ્વારા જે અનુમાન લગાવવામાં આવ્યું હતું તે સાચું ઠરી રહ્યું છે.મકરસંક્રાતિ પર્વ પર શહેરમાં 1500 આસપાસ કોરોનાના દર્દીઓની સંખ્યા પહોંચે તેવો અંદાજ હતો.જોકે, મકરસંક્રાંતિ પર્વની પૂર્વે જ કોરોના શહેરમાં લગભગ 2 હજારની નજીક પહોંચી ગયો છે.શહેરના તમામ ઝોનમાં હાલ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાઈ રહ્યા છે.શહેરના સેન્ટ્રલ ઝોનમાં 103,વરાછા એ ઝોનમાં 213, વરાછા બી ઝોનમાં 95, કતારગામમાં 199, લીંબાયતમાં 183, ઉધનામાં 56, અઠવા ઝોનમાં 420 જયારે રાંદેર ઝોનમાં સૌથી વધુ 527 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. આમ,શહેર આખું હવે કોરોનાની પુરેપુરી ઝપટમાં આવી ગયું છે તેમ કહીએ તો ખોટું નહીં કહેવાય.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *