સુરત, 11 જાન્યુઆરી : સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં ગત 6 જાન્યુઆરીના રોજ સોનાના વેપારીને ચપ્પુ બતાવી મોપેડ પર આવેલા ત્રણ લૂંટારાઓ રોકડા 1.64 કરોડ રૂપિયાની દિલધડક લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.આ ગુનામાં આરોપીઓને ઝડપી લેવા પોલીસની વિવિધ ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ ગુનામાં પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે.જયારે, એક આરોપીની પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય 2 ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મહિધરપુરા પોલીસ સૂત્રોએ જણાવ્યાનુસાર, વરાછામાં હીરાબાગ વિસ્તારમાં રહેતા શરદ લક્ષ્મણભાઈ સોલંકર સોનાના વેપારી છે. તેઓએ અમરેલીના વેપારી દિલીપભાઈ પાસેથી 4 કિલો 300 ગ્રામ સોનું મંગાવીને સુરતમાં મહિધરપુરામાં મુન સ્ટાર જ્વેલર્સના વેપારી સાગરભાઈને વેચી 1.64 કરોડ રૂપિયા રોકડા લીધા હતા. રૂપિયા બે થેલામાં મુકીને દરબારભાઈ સાથે મોપેડ પર વરાછા જવા નીકળ્યા હતા.ત્યારે,કંસારા શેરી પાસે એક મોપેડ પર ત્રણ લૂંટારૂઓ આવ્યા હતા.તેઓએ ચપ્પુ બતાવીને શરદભાઈ અને દરબારભાઈ પાસેથી 1.64 કરોડ રૂપિયા મુકેલી બંને થેલા લૂંટીને ભાગી ગયા હતા.આ સમગ્ર લૂંટ પ્રકરણમાં મિતેશસિંહ સુશિલસિંહ પરમાર ઉર્ફે દરબાર શંકાના દાયરામાં હોઈને પોલીસે તેની આકરી પૂછપરછ હાથ ધરી હતી અને આખરે તેણે જ આ લૂંટ માટે અન્ય આરોપીઓને ટીપ આપી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આ ગુનામાં મિતેષ સિંહ, રાજુભાઈ ઉર્ફે રાજ મરાઠે તેમજ સન્નીકુમાર કંઠારીયાની ધરપકડ કરી છે.તેમજ ફરાર આરોપી તૌસીફ સૈયદ અને સમીર ચુડાસમાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.સુરત શહેરમાં સોનાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓને આ પ્રકારે કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના આટલી મોટી રકમની હેરફેર ન કરવાની પોલીસ કમિશનરે ચેતવણી આપી છે.જોકે, આ પ્રકરણમાં પોલીસે ત્વરિત ગતિએ કામગીરી કરીને સૌ પ્રથમ 64,10,000 જયારે બાદમાં 54,50,000 નીરોક્ડ રકમ, 2 મોબાઈલ અને એક મોપેડ સહિતના મુદ્દામાલને ઝડપી લેવામાં પણ સફળતા મેળવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત