સુરત, 12 જાન્યુઆરી : ઉત્તિષ્ઠત: જાગ્રત: પ્રાપ્યવરાન્નિબોધત:।- ઊઠો-જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો)નો સંદેશો આજે પણ દેશના કરોડો યુવાનોને પ્રેરણા આપે છે. આ ઉમદા સંદેશ આપનાર અને માત્ર 39 વર્ષની યુવાન વયે વર્ષ 4 જુલાઈ 1902માં દુનિયામાંથી વિદાય લેનાર ભારતના મહાન સપૂત વેદાંતિક તત્ત્વજ્ઞાનના પ્રખર પુરસ્કર્તા શ્રી નરેન્દ્ર વિશ્વનાથ દત્ત- સ્વામી વિવેકાનંદની જન્મજયંતિએ 12મી જાન્યુઆરીના દિવસે ઊજવવામાં આવે છે, અને ભારતભરમાં સ્વામી વિવેકાનંદને આદરપૂર્વક યાદ કરી ‘યુવા દિન’ના રૂપમાં તેમના જીવનકાર્યને શ્રદ્ધાંજલિ અપાય છે.સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણયાનુસાર ઇ. સ. 1985ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. આ નિર્ણયના મહત્વનો વિચાર કરતાં ભારત સરકાર તરફથી પણ ઘોષણા કરવામાં આવી કે ઇ. સ. 1985થી 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનન્દ જયંતિનો દિવસ ‘રાષ્ટ્રીય યુવા દિન’ તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવશે.સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં થયો હતો. બી. એ. પાસ થયા પછી અધ્યાત્મ તરફ ખેંચાયેલા નરેન્દ્રની આધ્યાત્મિક જિજ્ઞાસાને રામકૃષ્ણ પરમહંસએ પરિતૃપ્ત કરી, તેમની પ્રેરણાથી વર્ષ 1884માં નરેન્દ્રનાથે સંન્યાસ ધારણ કર્યો.
પરમહંસજીએ એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ એમને શીખવ્યું હતું. ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારતખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. તેમણે વિવેકાનંદ નામ ધારણ કર્યું. વર્ષ 1893માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હિંદુ ધર્મના મનોનીત પ્રતિનિધિ તરીકે વિશ્વના ધર્મધુરંધરોની ઉપસ્થિતિમાં, દસ હજારથી વધુ શ્રોતાઓને તેમના વક્તવ્યથી પ્રભાવિત કર્યા, ત્યાર પછી જ તેમની શક્તિની ભારતવાસીઓને ઓળખ થઈ. ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્વિત્ઝરલેન્ડ વગેરે દેશોમાં પણ તેમની તેજસભર વાણીથી ભારતીય તત્ત્વજ્ઞાનની સબળ અને સફળ રજૂઆત કરનાર સ્વામીજીના શિષ્યોમાં વિદેશીઓ પણ સારી સંખ્યામાં જોડાયા.પોતાના ગુરૂ રામકૃષ્ણ પરમહંસની સ્મૃતિમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કર્યા બાદ મિશનના બ્રહ્મચારીઓને વેદાંત, ગીતા, દર્શન આદિ ગ્રંથોનો અભ્યાસ કરાવવા તેમણે બેલૂર મઠની સ્થાપના કરી. તે બંને સંસ્થાઓએ આજે સેવાક્ષેત્રે વૈશ્વિક નામના મેળવી છે.
સ્વામી વિવેકાનંદને ભારતના રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવાનોના આદર્શ શ્રેષ્ઠ વ્યક્તિત્વને એમની જન્મજયંતિ પર શત શત વંદન…
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત