સુરત, 12 જાન્યુઆરી : સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ સ્કૂલ હરહંમેશ શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી આવી છે. વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધે તે હેતુથી બુધવારે શાળા સંકુલના મેદાનમાં એક અનોખી ” પુસ્તક વેલી ” એટલે કે ” ખુલ્લી પુસ્તકાલય ” ખુલ્લું મુકવામાં આવ્યું. આ ” પુસ્તક વેલી ” ને એફઆરસીના ચેરમેન અશોક દવેએ ખુલ્લી મૂકી હતી.
વિદ્યાર્થી એ દેશનું ભવિષ્ય છે.ત્યારે, આ ભાવિ પેઢી ભારતના ભવ્યત્તમ સાંસ્કૃતિક વારસાને જાણે તે માટે તેઓ વાંચન કરે તે અતિ જરૂરી છે.આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરનારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે બુધવારે આ ” પુસ્તક વેલી “નું ઉદ્ઘાટન ખરા અર્થમાં સ્વામીજીનું સ્વપ્ન સાકાર કરશે.વિદ્યાકુંજ સંકુલના મેદાનમાં નૈસર્ગીક વાતાવરણમાં નિર્માણ કરવામાં આવેલી આ ” પુસ્તક વેલી ” માં ઠેર ઠેર વેલી એટલે વેલ સ્વરૂપે અનેકવિધ પુસ્તકો મુકવામાં આવ્યા છે..તેની સાથે સાથે વિવિધ આકર્ષક ટોપલીઓમાં વિવિધ શિક્ષકો દ્વારા પુસ્તકોનો સાર પણ પુષ્પની જેમ ગોઠવવામાં આવ્યા છે.વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગોષ્ઠી એ ત્રણેયને સારી રીતે કરી શકે તેવી વ્યવસ્થાનું નિર્માણ શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં પુસ્તકોને માળા સ્વરૂપે પણ ગોઠવવવામાં આવ્યા છે.માળો સુંદર હોય તો તેમાં પક્ષીને રહેવાની મજા પડે એમ પુસ્તકો પણ સુંદર સજાવટથી ગોઠવાયેલા હોય તો તેને વાંચવા માટે હર કોઈને આકર્ષિત કરે.પુસ્તક રૂપી માળો સુંદર હોય તો વાંચનારાનું જીવન પણ સમૃદ્ધ બને.તેવા આશયથી અહીં અનેક પુસ્તકોને આકર્ષક રીતે વેલી સ્વરૂપે ગોઠવવામાં આવ્યા છે.
હંમેશા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક કરવામાં માનનારા વિદ્યાકુંજ સંકુલના ડાયરેક્ટર મહેશ પટેલનો આ ડ્રિમ પ્રોજેક્ટ છે.આ અનોખા પુસ્તકાલયની ઉદ્ઘાટન વેળાએ એફઆરસીના ચેરમેન અશોક દવે,એફઆરસીના સભ્ય અશોક અગ્રવાલ, નિલેશ શાહ, શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત