સુરત, 13 જાન્યુઆરી : ‘ આઝાદી કા અમૃત મહોત્સવ ‘ અંતર્ગત સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ-‘રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણીના ભાગરૂપે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના નેજા હેઠળ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સુરત દ્વારા બારડોલી તાલુકાની અસ્તાન કન્યા વિદ્યાલય તથા કામરેજમાં ગજેરા વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ‘રાષ્ટ્રીય યુવા ઉત્સવ દિવસ’નું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પ્રેરક ઉદ્દબોધનને માણ્યું હતું. આ પ્રસંગે અસ્તાન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ લોકનૃત્ય, સમૂહગીત, પ્રાચીનગરબા અને સ્કુલબેન્ડથી કલા મનમોહક કલા રજૂ કરી હતી.
આ પ્રસંગે પૂનમ પંડયાએ સ્વામી વિવેકાનંદજીના જીવન પ્રસંગો વિષે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. સાથોસાથ સ્વામી વિવેકાનંદના જીવનપ્રસંગોને ઉજાગર કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 150 વિદ્યાર્થીઓ સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ માર્ગદર્શિકાના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત