સુરત : પતંગની દોરથી ઈજાગ્રસ્ત થતાં માનવ અને પશુ-પક્ષીઓ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ

સ્થાનિક
Spread the love

સુરત, 13 જાન્યુઆરી : નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પંતગની દોરીથી ઈજા પામતા પશુ-પક્ષી અને નાગરિકોને સહાયરૂપ થવાં માટે નવી સિવિલ હોસ્પિટલની હેલ્પલાઈનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો લાભ શહેરીજનો 13થી 15 જાન્યુ. એમ ત્રણ દિવસ લઈ શકશે. છેલ્લાં 15 વર્ષથી કાર્યરત આ હેલ્પલાઈન સેવા આ વર્ષે પણ શહેરીજનોની વ્હારે આવશે.આ પ્રસંગે સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટના અગ્રણીઓ તથા અન્ય એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ, નર્સિંગ એસો.ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

        ઓર્ગન ડોનેશન જાગૃતિ અભિયાનના પ્રેરણાસ્રોત દિલીપ દેશમુખ, સિન્ડીકેટ મેમ્બર ડૉ મહેન્દ્રસિંહ ચૌહાણ, સિન્ડીકેટ મેમ્બર ડૉ.પારૂલ વડગામા, “છાંયડો”ના ભરતશાહ, નવી સિવિલના તબીબી અધિક્ષક ડૉ.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક, ડૉ. ધારિત્રી પરમાર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કિરણ દોમડીયા, મેટ્રની લીલાવતીબેન ગામીતના વરદ્દહસ્તે હેલ્પલાઈન સુવિધાનો નવી સિવિલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. મદદ મેળવવા માટે મો.9909927924, 9979087053,9825596892, 9825504766,9825525637 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

કડીવાલાએ આ ઉમદા સેવા અંગે જણાવ્યું હતું કે, પંતગની ઘાતક દોરીથી ગંભીર ઈજાઓ થવાનાં કિસ્સામાં તબીબી સેવાઓનાં અભાવે કે ઈજા થયેલ ભાગમાંથી વધુ પડતા રક્તસ્ત્રાવ થવાને કારણે મૃત્યુ થવા સુધીના કિસ્સાઓ બને છે. જેનું નિરાકરણ લાવવા અને શક્ય તેટલી ઝડપે ઘટનાસ્થળ પર જ તાત્કાલિક સારવાર આપવાના હેતુંથી આ હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. શહેરની જનતાને પણ અનુદ્રોધ છે કે સામાન્ય ઈજાઓમાં આ હેલ્પલાઈનનો દુરૂપયોગ ન કરતાં ગંભીર ઈજાઓમાં જેમને તાકીદે સારવારની જરૂરિયાત છે એવા વ્યક્તિઓ, પશુપક્ષીઓને સહાયરૂપ થવાં આ હેલ્પલાઈનનો ઉપયોગ કરવો હિતાવહ છે. નર્સિંગ એસો.ની ટીમ છેલ્લા 15 વર્ષથી પતંગ ઉડાવતી નથી, જેના સ્થાને સેવાભાવના સાથે હેલ્પલાઈન સેવામાં યોગદાન આપે છે.

        નોંધનીય છે કે, પંતગની દોરીની ઈજાઓથી બચવા માટે સરકારની કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. ધાબા પર ભીડ એકઠી ન કરવા અને દ્વિચક્રીય વાહનચાલકોએ ગળે મફલર કે કાપડનો પટ્ટો બાંધવો અને બાળકને આગળ ન બેસાડતાં પાછળની સીટ પર બેસાડવા. વધુ સ્પીડમાં ગાડી ન ચલાવવી. ગાડી ચલાવતા હોય ત્યારે આગળથી દોરી પસાર થતી હોય તો ગાડીને ધીમી કરીને ઉભી રાખી દેવી અને દોરીને પસાર થઈ જવા દેવી. દોરીથી ઈજા થવાથી લોહી વહેતું હોય તો કાપડથી દબાવી દેવું અને ઉપરોક્ત હેલ્પલાઈનને જાણ કરવી અથવા નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી એમ નર્સિંગ એસો.ના ઝોનલ રિપ્રેઝન્ટેટીવ દિનેશ અગ્રવાલ દ્વારા જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *