સુરત, 13 જાન્યુઆરી : માનવજીવન અતિ મૂલ્યવાન છે. દેશમાં દર વર્ષે દોઢ લાખથી વધુ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. અકસ્માતો બનતા અટકે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિતપણે શહેરમાં ટ્રાફિક અંગેની જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેના ભાગરૂપે ટ્રાફિક પોલીસ અને અંગદાન ક્ષેત્રમાં કાર્યરત ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ‘અંગદાન..જીવનદાન’ ના સંદેશા લખેલા પતંગોના વિતરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં વાહનચાલકોને ‘અંગદાન..જીવનદાન’ ના સંદેશ લખેલા પાંચ હજારથી વધુ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પતંગના માધ્યમથી પાંચ લાખ લોકો અંગદાનનો ઉમદા સંદેશ પહોંચાડવાનો સંકલ્પ ટ્રાફિક પોલીસ અને ડોનેટ લાઈફ દ્વારા લેવામાં આવ્યો છે.
સુરતમાં બ્રેઈનડેડ લોકોના દાનમાં મેળવવામાં આવેલા 39 હૃદય, 13જોડ ફેફસાં અને 2 હાથ સુરત એરપોર્ટથી દેશના વિવિધ શહેરોમાં ચાર્ટર્ડ કે કોમર્શિયલ વિમાન મારફત મોકલવામાં આવ્યા છે. જેમાં સુરત એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટર અમન સૈની તેમજ એરપોર્ટ સ્ટાફનો સહકાર મળ્યો હોવાથી તેઓને પતંગો અર્પણ કરવામાં આવ્યાં હતાં. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરતથી વિમાન મારફત બહાર જતા અને સુરત બહારથી વિમાન મારફત આવતા મુસાફરોમાં અંગદાનનો સંદેશ પહોંચે તે માટે મુસાફરોને પણ પતંગ વિતરણ કરાયું હતું, તેમજ જનજાગૃત્તિ માટે મોટી સંખ્યામાં પતંગો એરપોર્ટ પરિસરમાં લગાડવામાં આવ્યા છે.નોંધનીય છે કે, ડોનેટ લાઈફ દ્વારા બ્રેઈનડેડ વ્યક્તિઓના કુલ ૯૮૧ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને ૮૯૮ વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.
આ કાર્યક્રમમાં સુરત ટ્રાફિક વિભાગના ડે.પોલીસ કમિશનરપ્રશાંત સુંબે, શહેરના વિવિધ રિજીયનના મદદનીશ પોલીસ કમિશનરો, પોલીસ અધિકારીઓ, ડોનેટ લાઈફના સીઈઓ નીરવ માંડલેવાળા, બિરજુ મંઘાણી, ભુપેન્દ્ર હલવાવાળા સહિત સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત