સુરત, 19 જાન્યુઆરી : સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગીરી ગામના આમલી ડેમમાં ગત 11મી જાન્યુઆરીના રોજ આદિવાસી ખેડૂત પરિવારના 10 વ્યક્તિઓ અકસ્માતે ડૂબી ગયા હતા. જેમાંથી 7 વ્યક્તિઓનું મૃત્યુ નીપજયું હતું, જ્યારે 3 લોકોને આબાદ બચાવી લેવાયા હતા. આ દુર્ઘટનાના મૃતકો જ પરિવારનું ભરણપોષણ કરનાર મુખ્ય વ્યક્તિઓ હોવાથી તેમના પરિવારને સરકાર તરફથી આર્થિક સહાય મળી રહે તે માટે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને આર્થિક સહાય આપવા અંગે અસરકારક રજૂઆત કરાઈ હતી.
મુખ્યમંત્રીએ સાનુકુળ પ્રતિભાવ આપતાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકોના પરિવારને 4 લાખની સહાય મંજૂર કરાઈ છે. આ બદલ દેવગીરીના ગ્રામજનો અને મૃતકોના પરિવારજનોએ જાગૃત્ત જનપ્રતિનિધિઓ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત