સુરત,19 જાન્યુઆરી : આગામી 26મી જાન્યુઆરી- પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સવારે 9 વાગે સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઈન્સ ખાતે નાણા, ઉર્જા વિભાગના મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને સલામી આપવા સાથે સંપન્ન થશે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
કલેકટરએ સમગ્ર કાર્યક્રમ કોવિડ-19ની માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે મહાનુભાવોની બેઠક વ્યવસ્થા , પોલીસ પરેડ, ટેબ્લો, પાર્કિંગ, સાફ-સફાઇ સહિત આનુષંગિક બાબતોની બેઠકમાં સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોવિડ-19ની ગાઈડલાઈનના અસરકારક પાલન સાથે કરવામાં આવશે. તેમજ મંત્રીના હસ્તે આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે.બેઠકમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી કામગીરી સોંપવામાં આવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત