સુરત, 19 જાન્યુઆરી : સમગ્ર દેશ દુનિયામાં કેર મચાવનારી કોરોનાની મહામારીએ ભારતમાં પણ હાહાકાર મચાવ્યો છે. દિન પ્રતિ દિન દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે અને તમામ રેકોર્ડ તોડી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 20,966 દર્દીઓ સંક્રમિત થયા છે.રાજ્યમાં આ મહામારીના કારણે છેલ્લા 24 કલાકમાં 12 વ્યક્તિઓએ દમ તોડ્યો છે.સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો કાળો કેર યથાવત રહેવા પામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 3318 અને જિલ્લામાં 656 દર્દીઓ સાથે કુલ 3974 દર્દીઓ સંક્રમિત થયા છે તેમજ સુરત શહેરમાં એક દર્દીનું કરૂણ મોત થયું છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા નોંધાયેલા 3318 દર્દીઓ સાથે શહેરમાં અત્યાર સુધીમાં નોંધાયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,46,196 પર પહોંચી છે.જયારે, જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા 656 દર્દીઓ સાથે કુલ આંકડો 35,979 પર પહોંચ્યો છે.આ સાથે, સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,82,175 પર પહોંચી છે. સુરત શહેરના અઠવા ઝોનના 79 વર્ષીય પુરુષનું કોરોનાના કારણે કરૂણ મોત થયું છે.તેઓએ બીપી અને ડાયાબિટીઝની બીમારીથી પીડાતા હતા.તેઓને 18મી જાન્યુઆરીના રોજ શહેરની સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.આ સાથે સુરત શહેરમાં મૃતકોનો કુલ આંક હવે 1641 પર પહોંચ્યો છે.જયારે, જિલ્લાના કુલ 497 મૃતકો સાથે શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંકડો હવે 2138 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 1990 અને જિલ્લામાં 242 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંક 1,55,717 પર પહોંચ્યો છે. જેમાં જિલ્લાના અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા કુલ 33,087 દર્દીઓનો સમાવેશ થાય છે.શહેર-જિલ્લામાં હવે એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 24,320 પર પહોંચ્યો છે.
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 150, વરાછા એ ઝોનમાં 258, વરાછા બી ઝોનમાં 229, કતારગામમાં 346, ઉધના એ ઝોનમાં 187, ઉધના બી ઝોનમાં 90, અઠવા ઝોનમાં 612, લીંબાયત ઝોનમાં 202 તેમજ સૌથી વધુ રાંદેર ઝોનમાં 1244 દર્દીઓ નોંધાયા છે. રાંદેર ઝોનને તંત્ર દ્વારા હાઈ રિસ્ક ઝોન ઘોષિત કરવામાં આવ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત