સુરત, 20 જાન્યુઆરી : સમગ્ર દેશ દુનિયામાં હાહાકાર મચાવનારા કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનની સર્વત્ર અસર દેખાઈ રહી છે.ત્યારે, ગુજરાતના વિવિધ શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિ દિન ભારે વધારો જોવા મળી રહ્યો છે.સુરત શહેરમાં એક તરફ કોરોનાના દર્દીઓની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે તો બીજી તરફ શહેરના નાગરિકોમાં શરદી-ખાંસી અને વાઈરલના કેસોમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે.જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરો અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.હોસ્પિટલમાં મોટા ભાગના દર્દીઓ શરદી-ખાંસી અને વાઇરલ ફીવરના જોવા મળી રહ્યા છે.શહેરમાં સર્વત્ર વધી રહેલા દર્દીઓની સંખ્યાના પગલે સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ લેવા અપીલ કરી છે.
શહેરમાં સતત વધી રહેલા શરદી-ખાંસીના દર્દીઓને આ લક્ષણોને હળવાશથી ન લેવાની પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. દર્દીઓને તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈને તરત જ કોરોનાના ટેસ્ટ કરી લેવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જે દર્દીઓ પોઝિટિવ થાય તેઓએ સલામતી માટે આઇસોલેટ થઇ જવું જોઈએ.બીજી તરફ શહેરમાં ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યા છે.સુરત શહેરમાં 19 જાન્યુઆરી સુધીમાં 21925 એક્ટીવ કેસ છે. જે પૈકી 428 લોકો હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.શહેરમાં હજુ પણ 4 લાખ જેટલા લોકોએ સેકન્ડ ડોઝ લીધો નથી.તંત્ર દ્વારા તેઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ જલ્દીથી જલ્દી સેકન્ડ ડોઝ લઇ લે.સુરત શહેરમાં આગામી દિવસોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં હજુ પણ વધારો થાય તેવી સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત