સુરત, 21 જાન્યુઆરી : દેશ દુનિયામાં હાહાકાર મચાવનારી કોરોનાની મહામારીના કારણે ગુજરાતમાં અનેક લોકોએ તેમના પ્રાણ ગુમાવ્યા છે.ત્યારે, રાજ્ય સરકારે જે તે સમેયે કોરોનાના કારણે મૃત્યુ પામેલા નાગરીકોના આંકડાઓ છુપાવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં દર્શાવેલા આંકડાઓ પરથી તે સાબિત થયું છે.તેવા આક્ષેપો શુક્રવારે સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરીષદમાં કોંગી અગ્રણીઓએ કર્યા હતા.તેની સાથે સાથે સુરત શહેર કોંગ્રેસ દ્વારા આગામી 23મી જાન્યુઆરીથી 30મી જાન્યુઆરી સુધી વિવિધ વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમો કરશે તેવી ઘોષણા શહેર પ્રમુખ નૈષધ દેસાઈ કરી હતી.જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ તેમજ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે દેશભક્તિ ગીતો, પ્રવચન, બાઈક રેલી, સાઇકલ રેલી સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
આ પત્રકાર પરિષદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના કારણે 3 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું.આ તમામ મૃતકોને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ 4 લાખની સહાય મળવી જોઈએ તેવી માંગ કરી હતી.ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારને કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના સ્વજનો દ્વારા વળતર મેળવવા અંગે કુલ 91,810 અરજીઓ મળી છે.જેમાંથી કુલ 58840 અરજીઓ મંજુર કરવામાં આવી છે.15 હજાર જેટલી અરજીઓ હાલ પેન્ડિંગ છે.5 હજાર અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે અને 11 હજાર જેટલી અરજીઓ પ્રોસેસમાં છે.ત્રણ દિવસ પૂર્વે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં 68370 કોરોના અંગેના વળતરના દાવાઓને એપ્રુવ કર્યા હોવાનું અને બીજા 24 ક્લેમ પ્રોસેસમાં જણાવ્યું છે.રાજ્ય સરકારે શરૂઆતમાં રાજ્યમાં કોરોના ના કારણે કુલ 10,130 દર્દીઓના જ મોત થયા હોવાનું જણવ્યું હતું.હવે સુપ્રીમ કોર્ટમાં આપેલા આંકડાઓ જ દર્શાવે છે કે શરૂઆતમાં મૃતકોના આંકડાઓ સરકારે છુપાવ્યા હતા અને આ વિગતો નાગરિકો સમક્ષ લઈ જવા માટે કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે.ડબ્લ્યુએચઓ એ પણ હમણાં જણાવ્યું છે કે ભારતના કોવિડ મૃત્યુ આંકડાઓ પર તે વિશ્વાસ કરતું નથી. આ સિવાય અનેક મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે.
આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રવકતા કિરણ રાયકા સહીત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જોકે, સપ્તાહ દરમિયાન શહેરમાં આયોજિત વિવિધ કાર્યક્રમો અંગે કોંગી અગ્રણીઓ વિસ્તૃત માહિતી આપી ન હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત