સુરત, 22 જાન્યુઆરી : સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારના ખેડૂતો, ગ્રામજનોને સાતત્યપૂર્ણ વીજપૂરવઠો પૂરો પડવાના હેતુથી નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે તા.23મી જાન્યુ.-રવિવારે માંગરોળ તાલુકાના શાહ ખાતે રૂ.6 કરોડના ખર્ચે અને ઉમરપાડાના બરડી ગામે રૂ.8 કરોડના ખર્ચે સ્થાપિત થનાર 66 કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવશે. માંગરોળના શાહ ગામના 66 કે.વી. સબસ્ટેશનથી 12 ગામોના 10,815 લોકો અને ઉમરપાડાના બરડી ગામના 66 કે.વી. સબસ્ટેશનથી 19 ગામોના 10,815 લોકો મળી કુલ 31 ગામોના 21,630 લાભાર્થીઓ વીજસુવિધાથી લાભાન્વિત થશે.
66 કે.વી.સબસ્ટેશન સુવિધા ઊભી થવાથી માંગરોળ તાલુકાના શાહ, બોરસદ, ઝાખરડા, વસ્તાન, સુરાલી, વસરાવી, ડુંગરી, ઉમેલાવ, દેગડીયા, ઝગડિયા, રતોલા, વેરાકુઈ એમ કુલ 12 ગામોના 10815 લોકોને વીજળીનો લાભ મળશે. જેમાં 1200 ખેતીવાડી ગ્રાહકો, 9450 રહેણાંક ગ્રાહકો, 50 વોટર-વર્કસ, 100 વાણિજ્ય એકમો અને 15 ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે. જ્યારે ઉમરપાડા તાલુકાના બરડી, અંબાડી, પીનપુર, દરડા, ઘાણાવાડ, દીવતણ, ઉમરગોટ, ચોખવાડા, ઉમરપાડા, ઉચવણ, વેન્જલી, કેવડી, બીલવાણ, શરદા, ગોપલીયા, ગોવટ, ચન્દ્રપાડા, સલ્લી અને હલધરી એમ કુલ 19 ગામોના 8220 લોકોને વીજળીનો લાભ મળશે. જેમાં 600 ખેતીવાડી ગ્રાહકો, 7200 રહેણાંક ગ્રાહકો, 60 વોટરવર્કસ, 350 વાણિજ્ય એકમો અને 10 ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે.આ પ્રસંગે કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત