સુરત, 22 જાન્યુઆરી : ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના વતની અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સ્નેહમુદ્રા સોસાયટી, ખાતે રહેતા કનુભાઈને મંગળવાર તા18 જાન્યુઆરીના રોજ સાંજે 6:30 કલાકે લકવાનો હુમલો થતા તેઓને કિરણ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ઇન્ટરવેશનલ રેડીઓલોજીસ્ટ ડૉ.જીગર આહયાએ સર્જરી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.ગુરુવાર, 20 જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે કનુભાઈને બ્રેનડેડ જાહેર કર્યા.પરિવારજનોએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરતા મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કનુભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
????????????????????????????????????
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કનુભાઈના પુત્રો કલ્પેશભાઈ, મયુરભાઈ, આનંદભાઈ, ભત્રીજા વિપુલભાઈ અંબાલાલભાઈ વઘાશિયાને અંગદાનનું મહત્વ સમજાવી જણાવ્યું કે તમે તમારા સ્વજનના કિડની અને લિવરનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તે માટે તમને વંદન છે...સલામ છે... આપણા દેશમાં કેટલાયે વ્યક્તિઓના હાથ અકસ્માતમાં કપાઈ ગયા હોય છે અને તે વ્યક્તિઓ તેઓનું સામાન્ય જીવન જીવી શકતા નથી. જો આપ તમારા સ્વજનના કિડની અને લિવરના દાનની સાથે હાથનું દાન કરવાની સંમતિ આપો તો અકસ્માતમાં હાથ કપાઈ ગયેલા વ્યક્તિઓને નવુંજીવન મળી શકે.કનુભાઈના પુત્રો કલ્પેશભાઈ, મયુરભાઈ, આનંદભાઈ ભત્રીજા વિપુલભાઈ અંબાલાલભાઈ વઘાશિયાએ થોડો સમય લઈ કનુભાઈના પત્ની શારદાબેન સાથે વિચાર વિમર્શ કરી કિડની અને લિવરના દાનની સાથે હાથના દાનની પણ સંમતિ આપતા જણાવ્યું કે અમારા પિતાજી ખુબજ લાગણીશીલ અને સેવાભાવી હતા, તેઓએ જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવા તૈયાર રહેતા હતા. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે તેમના કિડની અને લિવરની સાથે હાથના દાન દ્વારા કોઈ જરૂરિયાતમંદ દર્દીને નવુંજીવન મળે અને તેના દ્વારા તે વ્યક્તિ અને તેના પરિવારના જીવનમાં ખુશાલી આવતી હોય તો આપ હાથનું દાન પણ કરાવો. કનુભાઈના પરિવારમાં એમના પત્ની શારદાબેન, એક પુત્રી અને ત્રણ પુત્રો છે જેઓ ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સલામ છે આ પરિવારને તેમના નિર્ણય બદલ.પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની, લિવર સહીત હાથના દાન માટે જણાવ્યું.
SOTTO દ્વારા બંને કિડની અમદાવાદની IKDRC ને, લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને જયારે ROTTO મુંબઈ દ્વારા હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. અમદાવાદની ઝાયડસ હોસ્પીટલના ડૉ.દિવાકર જૈન, ડૉ.પાર્થન જોષી અને તેમની ટીમે આવી લિવર અને કિડનીનું દાન, મુંબઈની ગ્લોબલ હોસ્પીટલના ડૉ.વશિષ્ટ દીક્ષિત, ડો.અભીજીત સાવંત અને તેમની ટીમે આવી બંને હાથનું દાન તેમજ ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું 292 કિ.મીનું અંતર 75 મીનીટમાં કાપીને કનુભાઈના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના બુલધાનાની રહેવાસી 35 વર્ષીય મહિલામાં ડૉ.નિલેશ સતભાયા અને તેમની ટીમ દ્વારા મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ પહેલા કપડા ચુકવતા વીજ કરંટ લગવાને કારણે તેના બંને હાથ કપાઈ ગયા હતા તેના પતિ કરીયાણાની દુકાનમાં કામ કરે છે, તેમને છ અને આઠ વર્ષની બે દીકરી, ચાર વર્ષનો દીકરો છે. હાથના ટ્રાન્સપ્લાન્ટની મુંબઈની પાંચમી અને દેશની વીસમી ઘટના છે.
હાથનું ટ્રાન્સપ્લાન્ટ છ થી આઠ કલાકમાં કરવાનું હોય છે નહિ તો હાથ કામ કરતા બંધ થઇ જાય છે. તેથી બંને હાથને સમયસર હવાઈ માર્ગે મુંબઈ મોકલવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો અને ચાર્ટર વિમાન મારફતે હાથને 75 મીનીટમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ દાહોદના રહેવાસી 32 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ડૉ.દિવાકર જૈન અને તેમની ટીમ દ્વારા, બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી 45 વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRC માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. હાથ, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
????????????????????????????????????
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં કનુભાઈના પત્ની શારદાબેન, પુત્રો કલ્પેશભાઈ, મયુરભાઈ, આનંદભાઈ, ભત્રીજા વિપુલભાઈ અંબાલાલભાઈ વઘાશિયા, પુત્રી હેતલબેન યોગેશભાઈ પલાણી તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, ટ્રસ્ટીશ્રી હેમંત દેસાઈ, સીઈઓ નીરવ માંડલેવાલા, બીરજુભાઇ મંધાની, રમેશ વઘાશિયા, કરણ પટેલ, મેક્ષ પટેલ, સની પટેલ, દિવ્યાંગ પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, પ્રોગ્રામ કોઓર્ડીનેટર યોગેશ પ્રજાપતિ, રોહન સોલંકી અને ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 416 કિડની, 177 લિવર, 8 પેન્ક્રીઆસ, 39 હૃદય, 26 ફેફસાં અને 320 ચક્ષુઓ સહીત કુલ 986 અંગો અને ટીસ્યુઓ તેમજ ચાર હાથનું દાન મેળવીને 903 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
????????????????????????????????????
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત