સુરત, 23 જાન્યુઆરી : નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે માંગરોળ તાલુકાના શાહ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.-જેટકો દ્વારા રૂ. 6 કરોડના ખર્ચે સ્થાપિત થનાર 66 કે.વી.સબ સ્ટેશનનું ભૂમિપૂજન અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રૂા.60 લાખના ખર્ચે નવનિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ,ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યનો ખેડૂત સિંચાઈ માટે વીજળીથી વંચિત ન રહે તેમજ તેમને પૂરતા વીજ દબાણથી સાતત્યપૂર્ણ વિજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. નવા 66 કે.વી.સબ સ્ટેશનના કારણે કિસાનોને નવા વીજ કનેક્શનો પણ પ્રાપ્ય બનશ.મંત્રીએ આગામી 6 માસમાં શાહ સબ સ્ટેશન કાર્યરત થઈ જશે એમ જણાવતા ઉમેર્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોને અનેકવિધ સુવિધાઓ અને યોજનાઓ સાથે સાંકળીને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા પ્રતિબદ્ધ છે. નવા સબસ્ટેશનનું નિર્માણ થવાથી આદિવાસી ખેડુતોને વિના વિક્ષેપે ખેતી અને રહેણાંક માટે ગુણવત્તાયુક્ત વિજળી મળી રહેશે એમ જણાવતા સોલાર રૂફ ટોપ યોજના સહિતની યોજનાનો લાભ મેળવી ઈકો ફ્રેન્ડલી અને પુન:પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત થકી કાર્બન ઉત્સર્જન ઘટાડવા સહભાગી બનીએ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં કોરોના રસીકરણનું શ્રેષ્ઠ કાર્ય થયું છે, જેના પરિણામે આપણે સૌ કોરોનાની ત્રીજી લહેરનો મક્કમતાપૂર્વક સામનો કરી શકયા છીએ. આગામી સમયમાં પણ નવા સબ સ્ટેશનોનું ઝડપથી નિર્માણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આવનારા અનેક વર્ષો સુધી ગ્રામજનોને વિજળીની સુવિધા અવિરત મળી રહે તે માટે માંગરોળ અને ઉમરપાડામાં સ્થાપિત થનારા બે 66 કે.વી.સબસ્ટેશન આશીર્વાદરૂપ બની રહેશે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં નવા 14 સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર લોવોલ્ટેજની સમસ્યા નિવારી વિનાવિક્ષેપ અને ગુણવત્તાયુક્ત વીજપુરવઠો આપવા સંકલ્પબદ્ધ હોવાનું મંત્રીએ સ્પષ્ટપણે જણાવી રાજ્ય સરકારની જનહિતકારી કામગીરીને વધુ તેજ ગતિમાં આગળ વધારશે એમ ઉમેર્યું હતું.બીજી લહેર દરમિયાન ઓક્સિજનની તીવ્ર જરૂરિયાત અનુભવાઈ હતી, આવી સ્થિતિનો આગોતરા સામનો કરવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પૂરતી સંખ્યામાં ઓક્સિજન પ્લાન્ટો કાર્યરત કરી દીધા છે એમ પણ મંત્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરતા ધારાસભ્ય અને પૂર્વમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 100થી વધુ 66 કેવી સબ સ્ટેશન નિર્માણ કરીને અંધારામાંથી અજવાળા પાથરવાનુ કાર્ય આ સરકારે કર્યું છે. છેલ્લા 20 વર્ષમાં વર્તમાન સરકારે 2.50 લાખ આદિજાતિ ખેડૂતોને કૃષિ વીજજોડાણ આપવામાં આવ્યા છે. કોરોના દર્દીઓને સારવાર લેવા માટે દુર સુધી જવું ન પડે તે માટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સટવાણ અને ઉભારીયા ગામે સબસ્ટેશન નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ધારાસભ્યશ્રીએ આગામી સમયમાં સૌ કોઈએ પ્રિ-કોશન ડોઝ લેવાનો અનુરોધ કર્યો હતો.
માંગરોળ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂા.60 લાખના ખર્ચે નિર્મિત થયેલા ૨૫૦ LPMની કેપેસિટીના ઓક્સિજન પ્લાન્ટ સાથે 30 ઓક્સિજન બેડની સુવિધા ઊભી થઈ છે. આમ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે છેવાડાના આદિવાસી વિસ્તારના કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન પ્લાન્ટ આશીર્વાદરૂપ બનશે.આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદન ગામીત, સંગઠન પ્રમુખ સંદિપદેસાઈ, જેટકોના એમ.ડી. ઉપેન્દ્ર પાંડે, DGVCL ના મુખ્ય ઈજનેર રીટા પરેરા, જેટકોના મુખ્ય ઈજનેર કે.આર.સોલંકી, પ્રાંત અધિકારી જનમ ઠાકોર, મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ વી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન રાજેન્દ્ર વસાવા, કોસંબા એ.પી.એમ.સી.ચેરમેન દિલીપસિંહ રાઠોડ સહિત DGVCL અને જેટકોના અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
માંગરોળના શાહ ખાતે 66 કે.વી.સબસ્ટેશન સુવિધા ઊભી થવાથી માંગરોળ તાલુકાના શાહ, બોરસદ, ઝાખરડા, વસ્તાન, સુરાલી, વસરાવી, ડુંગરી, ઉમેલાવ, દેગડીયા, ઝગડિયા, રતોલા, વેરાકુઈ એમ કુલ 12 ગામોના 10815 લોકોને સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળી શકશે. જેમાં 1200 ખેતીવાડી ગ્રાહકો, 9450 રહેણાંક ગ્રાહકો, 50 વોટર-વર્કસ, 100 વાણિજ્ય એકમો અને 15 ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત