સુરત, 23 જાન્યુઆરી : સુરત શહેરની સેવન સ્ટેપ સ્કૂલ ખાતે રવિવારે સ્ટેટ ગવર્નર એવોર્ડ અંગેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં, મોટી સંખ્યામાં ગાઈડ એટલે કે વિદ્યાર્થીનીઓ અને સ્કાઉટ એટલે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આપણા દેશમાં શાળા -કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓના ભણતરની સાથે સાથે જીવનનું ઘડતર થાય તે અંતે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં,એનસીસી , એનએસએસ તેમજ સ્કાઉટ ગાઈડ સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.સુરત શહેરની વિવિધ શાળાઓ મળીને કુલ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિમાં જોડાયેલા છે.આ પ્રવૃત્તિ અંતર્ગત સ્ટેટ ગવર્નર એવોર્ડ એક્ઝામ લેવામાં આવે છે.જે અંતર્ગત સુરતમાં રવિવારે આ આવોર્ડ માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં, 34 ગાઈડ એટલે કે વિદ્યાર્થીનીઓ અને 40 સ્કાઉટ એટલે કે વિદ્યાર્થીઓ મળીને કુલ 74 લોકોએ પરીક્ષા આપી હતી.
સ્કાઉટ-ગાઈડની પ્રવૃત્તિ વિષે માહિતી આપતા ગાઈડ કમિશનર આશા પ્રજાપતિએ જણાવ્યું હતું કે સ્કાઉટ-ગાઈડની પ્રવૃત્તિમાં 10 વર્ષની ઉંમર બાદ પ્રવેશ આપવામાં આવે છે.જેમાં પ્રવેશ સમયે પરીક્ષા લેવામાં આવે છે.ત્યાર બાદ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય સોપાનની પરીક્ષા લેવામાં આવે છે અને 14માં વર્ષે આ સ્ટેટ ગવર્નર એવોર્ડ અંગેની પરીક્ષા લેવામાં આવે છે.આ સંગઠનમાં અનેકવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે.શાળા -કોલેજમાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સ્કાઉટ-ગાઈડની પ્રવૃત્તિ કરવામાં આવે છે.જે ભાવિ પેઢીમાં સેવાની ભાવના સાથે રાષ્ટ્રીય ભાવનાના સંસ્કારોનું સિંચન કરે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત