સુરત, 23 જાન્યુઆરી : સમગ્ર દેશને ” જય હિંદ ” નો પ્રબળ રાષ્ટ્ર ભક્તિ સભર નારો આપી એકસૂત્રતામાં જોડાનારા વીર નેતાજી સુભાષચન્દ્ર બોઝની રવિવારે 125મી જન્મજ્યંતિ નિમિત્તે સુરત શહેરના ગોપીપુરા સ્થિત સુભાષ ચોક ખાતે સુભાષબાબુને મેયર સહિત વિવિધ અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
દેશની આઝાદીમાં જેમ અહિંસક આંદોલને મહત્વનો ભાગ ભજવ્યો હતો.તેજ રીતે તે સમયે અંગ્રેજોને તેની જ ભાષામાં જવાબ આપનારા વીર ક્રાંતિવીરોનું યોગદાન પણ અતિ મહત્વનું અને ન ભૂલી શકાય તેવું છે.જોકે, કમનસીબે આઝાદી બાદ આવા ક્રાંતિવીરોને ઓછું મહત્વ આપવામાં આવ્યું.આવા જ એક અને જીવનભર અંગ્રેજોના દાંત ખાટા કરનારા મહા પરાક્રમી, આઝાદ હિંદ ફોજના રચિયતા નેતાજી સુભાષચન્દ્ર બોઝને આઝાદી બાદ ઓછું મહત્વ આપવામાં આવ્યું હતું.આવા વીર નેતાજીની 125મી જન્મ જ્યંતી નિમિત્તે રવિવારે દેશભરમાં વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે.ત્યારે, સુરત શહેરના ગોપીપુરા સ્થિત સુભાષ ચોક ખાતે આ મહાનાયકને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.દેશભક્તિના ગુંજતા ગીતોએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમમાં રંગી દીધું હતું.દેશને આઝાદ કરવામાં અનેક નરબંકાઓએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા.નેતાજી સુભાષચન્દ્ર બોઝ એ " ફોરગોટન હીરો " રહ્યા છે.ત્યારે, છેલ્લા ઘણા વર્ષોથી વર્તમાન સરકાર દ્વારા તેમની વિરગાથાને જીવંત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર તેમની વિશાળ પ્રતિમાને સ્થાપિત કરવાનો નિર્ણય એ દેશની ભાવિ પેઢી માટે અતિ મહત્વનો અને પ્રશંસનીય છે.આ પ્રતિમા ભાવિ પેઢીને નેતાજીના રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનથી સતત પ્રેરણા આપતી રહેશે.રવિવારે સુભાષચોક ખાતે આયોજિત કાર્યક્રમમાં શહેરના મેયર હેમાલી બોઘાવાલા, ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મહામંત્રી કિશોર બિંદલ, કાળુ ભીમનાથ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત