સુરત, 24 જાન્યુઆરી : શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં આગવી ઓળખ ઉભી કરનાર, રબર ગર્લના નામે વિખ્યાત સુરતની દિવ્યાંગ દીકરી અન્વી વિજય ઝાંઝરૂકિયાને ‘રાષ્ટ્રીય બાલિકા દિન’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી ‘ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2022 ‘ એનાયત થયો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે અન્વીના પિતા વિજય ઝાંઝરૂકિયા તથા માતા અવની ઝાંઝરૂકિયા, મેયર હેમાલી બોઘાવાલા, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરૂ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયને દેશભરમાંથી બાલ પુરસ્કાર માટે 600 બાળકો તરફથી અરજીઓ મળી હતી. જેમાં વર્ષ-2022 માટે 29 બાળકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની એકમાત્ર અને એ પણ સુરતની દિવ્યાંગ દીકરીએ એવોર્ડ મેળવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. પ્રધાનમંત્રીના હસ્તે દીકરીને ‘બ્લોક ચેઈન ટેકનોલોજી’ દ્વારા એવોર્ડ તથા એક લાખની ધનરાશિ એનાયત કરવામાં આવી હતી. વડાપ્રધાનએ દેશભરના અલગ-અલગ રાજ્યના 6 બાળકો સાથે સંવાદ કર્યો હતો. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પાંચથી અઢાર વર્ષની વયના બાળકોને ખેલ, સમાજ સેવા, શિક્ષણ, કલા સંસ્કૃતિ, વિરતા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર બાળકોને આપવામાં આવે છે.
દીકરી અન્વીને પુરસ્કાર મળતા અનન્ય ખુશી વ્યક્ત કરતા પિતા વિજયભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારથી તે અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. 21 ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝના કારણે મોટા આંતરડામાં ક્ષતિ છે, તે 75 % બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે છતા પણ યોગના પરિણામે આ સિદ્ધિ હાંસલ કરી હોવાનું જણાવે છે.
દીકરી અન્વીની આ સિધ્ધિ માટે અથાગ પરિશ્રમ કરનારા તેમના માતા અવની ઝાંઝરૂકિયાએ જણાવ્યું હતું કે, દીકરીને એવોર્ડ મળ્યો એ બદલ અપાર ખુશી થઈ છે. અન્વીને અનેક શારીરિક-માનસિક સમસ્યાઓ હોવા છતાં હિંમત હાર્યા વિના પરિશ્રમ, ધીરજથી તેનો ઉછેર કર્યો છે. તે શરૂઆતમાં પોતાના રોજિંદા કામ-કાજ જાતે કરી શકતી ન હતી. દીકરી અન્વીને યોગ કરવાની પ્રેરણા કયાંથી મળી તે વિશે તેમણે કહ્યું કે, જયારે તે 10 વર્ષની હતી ત્યારે માથા પર પગ ચડાવીને સૂતી હતી, આવી યોગાસન જેવી મુદ્રા જોઈને મને એ સમયે તેને યોગક્ષેત્રે મોકલવાનો વિચાર આવ્યો અને તેની સ્કુલના યોગ શિક્ષક નમ્રતાબેનને મળીને યોગ શીખવવાની શરૂઆત કરી હતી.લોકો શું વિચારે છે તે જોવાને બદલે બાળકને જે ક્ષેત્રમાં જવાની ઈચ્છા હોય તે ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. આમ યોગ શિક્ષક, માતા-પિતાની અથાગ મહેનતના પરિણામે દિવ્યાંગ દીકરીએ સિદ્ધિના શિખરો સર કર્યા છે.અન્વીએ અનેક શારિરીક સમસ્યાઓ અને મર્યાદાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે.
નોંધનીય છે કે, 13વર્ષની અન્વી ઝાંઝરૂકિયાને યોગાસનમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ તા.3 ડિસે.2021 ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા 'ક્રિએટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરી'માં નેશનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.અન્વીએ શારીરિક, માનસિક મર્યાદાઓને ઓળંગી યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે:
*અન્વી એવા દિવ્યાંગો માટે રોલમોડેલ છે, જેઓ થોડી મહેનતથી સામાન્ય જીવન જીવી શકે છે
==============================================================
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અન્વી ધીમી શીખનાર- સ્લો લર્નિંગ બાળા છે. તે જન્મજાત અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. 21 ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝના કારણે મોટા આંતરડામાં ક્ષતિ છે, જેના લીધે સ્ટૂલ પાસ કરવામાં (મળ ત્યાગ) સમસ્યા રહે છે. તે 75 % બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે. આવી અનેક સમસ્યાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે. તેણે છેલ્લા 3 વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં 3 સુવર્ણ ચંદ્રકો અને 2 કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે કુલ 42 યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં 51 જેટલા મેડલો મેળવ્યા છે.
અન્વી એવા દિવ્યાંગો માટે રોલમોડેલ છે, જેઓ થોડી મહેનતથી સામાન્ય જીવન જીવી શકે છે. રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2022 વિજેતા અન્વી ઝાંઝરૂકિયાએ સુરત અને ગુજરાતનું રાષ્ટ્રીય ફલક પર ગૌરવ વધાર્યું છે, અને તમામ ક્ષેત્રના શુભેચ્છકો દ્વારા તેના પર અભિનંદન વર્ષા થઈ રહી છે
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત