સુરત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઈજાગ્રસ્ત પક્ષીઓના બચાવ માટે કરૂણાસભર કામગીરી

સ્થાનિક
Spread the love

સુરત, 24 જાન્યુઆરી : આપણું રાજ્ય વૈવિધ્યસભર તહેવારો, ઉત્સવો-પર્વોથી દેશભરમાં સુવિખ્યાત છે. આવા જ અનોખા ઉત્તરાયણના પર્વની ઉજવણી મકરસક્રાંતિ અગાઉથી જ શરૂ થઈ જાય છે. 14 જાન્યુ.એ ઉત્તરાયણ અને 15 જાન્યુ.-વાસી ઉત્તરાયણની ઉજવણીમાં લાખો લોકો જોડાય છે, ત્યારે જીવ માત્ર પ્રત્યે સંવેદના અને જીવરક્ષાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા રૂપે ગત તા.10 થી 20 જાન્યુ. દરમિયાન રાજ્યવ્યાપી ‘ કરૂણા અભિયાન-2022 ‘ યોજાયું હતું. જેમાં ઉતરાયણના તહેવાર દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ ન થાય તેમજ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તેવા આશયથી રાજ્યમાં વનવિભાગકર્મીઓ અને સામાજિક સંસ્થાઓ, સેવાભાવી નાગરિકો પતંગના ઘાતક દોરથી ઈજાગ્રસ્ત પક્ષીઓ અને અબોલ જીવોની સારવારમાં યોગદાન આપે છે.


દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલ પક્ષીઓને બચાવવા તેમજ સમયસર સારવાર આપવા માટે સુરત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સરકારના અન્ય સંબંધિત વિભાગો, સામાજિક અને જીવદયાના ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ, પક્ષી બચાવવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા જાગૃત્ત યુવાનો અને સામાન્ય પ્રજાના સહયોગથી સુરત જિલ્લાના ચોર્યાસી, પલસાણા, ઓલપાડ, કામરેજ, બારડોલી, માંડવી, માંગરોળ, મહુવામાં ઘાયલ પક્ષીઓના સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં હતા. જેમાં ડૉક્ટરો, સ્વયંસેવકો, રેન્જ સ્ટાફ, NGOના સહયોગથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી અને લોકોને પણ આ અભિયાનમાં ભાગ લેવા અને ઓછામાં ઓછા પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય એવા પ્રયાસો માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ-બારડોલીના સ્વયંસેવકોએ પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે સરાહનીય કામગીરી નિભાવી હતી. પક્ષીબચાવ માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન નં.1962 ઉપર આવતાં કોલને અનુસરીને સ્થળ પર જઈને પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *