સુરત, 25 જાન્યુઆરી : 24 જાન્યુ.-રાષ્ટ્રીય દીકરી દિવસ ‘ નિમિત્તે સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ICDS- સંકલિત બાળ વિકાસ શાખાના સહયોગથી ઉમરપાડા ખાતે ICDS સભાખંડમાં વૃક્ષારોપણ, વધામણાં કીટ અને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમરપાડા તાલુકાની 19 દીકરીઓને ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરીહુકમનું વિતરણ કરાયું હતું. ઉપરાંત, ઉમરપાડા રેફરલ હોસ્પિટલમાં પણ નવજાત દીકરીઓને વધામણાં કીટ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નવજાત દીકરીઓને વધામણાં કીટ અર્પણ સાથે વૃક્ષારોપણ કરી દીકરી જન્મને ઉત્સવ તરીકે વધાવવામાં આવ્યો હતો. માતાઓને ‘વ્હાલી દીકરી યોજના’, ‘સુકન્યા સમૃધ્ધિ યોજના’ના ફોર્મ વિતરણ કરી યોજનાકીય જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં પુર્ણા યોજનાની લાભાર્થી કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ પણ કરાયું હતું. બાળલગ્ન અંગેનાં કાયદા અને તેની અસરો અંગે માર્ગદર્શન અને કિશોરીઓને વોકેશનલ તાલીમ અંગેની માહીતી આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ બાળલગ્ન અટકાવવાની સામૂહિક પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, સરપંચ, સીડીપીઓ ઉમરપાડા, મહિલા શક્તિ કેન્દ્રના કર્મચારીઓ હાજર રહ્યાં હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત